Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અન્નપૂર્ણાની મૂરત / 'નર્મદા બા' છેલ્લા 30 વર્ષથી ભૂખ્યાજનોને જમાડે છે, દવા, ચોપડા અને રોકડ રકમની પણ કરે છે સહાય

'નર્મદા બા' છેલ્લા 30 વર્ષથી ભૂખ્યાજનોને જમાડે છે, દવા, ચોપડા અને રોકડ રકમની પણ કરે છે સહાય

કહેવાય છે અન્નદાન એ મહાદાન છે. પરંતુ આ મોંઘવારી જમાનામાં અન્નદાન કરવાની હિંમત કોણ કરી શકે? પરંતુ હા કેટલાક એવાં પણ વિરલા હોય છે જે કોઈની આંતરડી ન ઠારે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. તેમના અંતરાત્મામાં ઘુમરાતી સેવા ભાવના તેમને ગમે ત્યાંથી શક્તિ પૂરી પાડતી હોય છે. આજે આપણે વાત કરવી છે એક એવા વરિષ્ઠ મહિલાની કે જેણે સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લાં 30 વર્ષથી એવી તો સેવાની આહલેક જગાવી છે કે, જેના દ્વારેથી કોઈ ભૂખ્યુ જતું નથી.

અન્નપૂર્ણાની મૂરતની સેવા...

પોતાના હાથે પ્રેમપૂર્વક પીરસતા આ માડીને જોઈને ક્યાંક એવું ન માની લેતા કે કોઈ સામાજિક પ્રસંગે તેઓ જમાડી રહ્યા હશે. ક્યાંક એવું ન માની લેતા કે, કોઈની પુણ્યતિથિ નિમિત્તે તેમણે ગરીબોને જમાવાડવાની ફરજ પૂરી કરી હશે. પરંતુ હકીકત એ છે કે આ વરિષ્ઠતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલા આ નર્મદાબેન છેલ્લાં 30 વર્ષથી ગરીબોની આંતરડી ઠારી રહ્યા છે. તેમનો આ અન્નસેવા રથ છેલ્લાં 30 વર્ષથી અવિરત ચાલ્યો આવે છે.

ગરીબોને જમાડીને ધન્યતા અનુભવે છે

નર્મદાબેન સેવાર્થીઓની મદદથી પોતાની જાતે રસોઈ બનાવે છે અને નીકળી પડે છે જરૂરિયાતમંદ ભૂખ્યાજનો સુધી. વડોદરાના બદામડી બાગ હોય કે કિર્તીમંદિર, કે હોય એસએસજી હોસ્પિટલ... ઘરે રસોઈ તૈયાર થઈ જાય એટલે નર્મદાબેનનો રામભરોસે અન્નક્ષેત્ર રથ નીકળી પડે છે. જ્યાં સુધી ગરીબોની ક્ષુધા તૃપ્ત ન થાય ત્યાં સુધી ભરપેટ જમાડે છે. પતિ ભગતજીભાઈના એક વિચારને પોતાનો જીવનમંત્ર બનાવનાર નર્મદાબેન રોજ અનેક ગરીબોને જમાડી ધન્યતા અનુભવી રહ્યા છે.

દવા, નોટબુક કે પછી રોકડ રકમ...

નર્મદાબેન રોજ સવારે 4 વાગ્યે ઉઠીને જમવાનું બનાવવાના કામે લાગે છે અને 9 વાગ્યે વડોદરામાં નક્કી કરેલા ત્રણ જગ્યાએ પહોંચી જાય છે. 30 વર્ષમાં એક પણ દિવસ એવું નથી બન્યું કે આ સેવા બંધ રહી હોય. આજે પણ વડોદરામાં કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યું ના રહે તે માટે તેઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે. નર્મદાબેનની માનવતા આટલેથી અટકતી નથી. તેમની પાસે આવતા જરૂરિયાતમંદ લોકોને દવા અપાવવી, નોટબુક કે ચોપડા અપાવવા, ભિક્ષુકો કે દર્દીઓને દાઢી કરાવી આપવી, જરૂર હોય તેને રોકડ રકમ પણ આપવી આવી તમામ પ્રકારની સેવાનો યજ્ઞ અવિરત રીતે ચલાવી રહ્યા છે. છતાં પણ કહે છે આ હું નહીં આ બધું ઈશ્વર કરી રહ્યો છે.

લોકો પણ સેવા કરવા જોડાય છે

30 વર્ષથી ચાલતા આ સેવાયજ્ઞમાં આજે વડોદરાના સેવાભાવી લોકો પણ જોડાવા લાગ્યા છે. સાચા અર્થમાં ગરીબોના અન્નપૂર્ણા બનેલા નર્મદાબેનના આ સેવાયજ્ઞમાં લોકો સેવા કરવાના ભાવથી જોડાય છે અને નર્મદાબેન જ્યારે જમાવાનું લઈને આવે ત્યારે પીરસવાના કામમાં સ્વયંસેવકો જાડાઈ જાય છે.

ગરીબોને જમાડ્યાબાદ પતિના કર્યા અંતિમ સંસ્કાર

માનવસેવાને પોતાનો જીવનમંત્ર બનાવી ચૂકેલા નર્મદાબેને પોતાના પતિ આવસાન પામ્યા ત્યારે પણ પણ પહેલા ગરીબોને જમાડી પછી પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા. પતિ ભગતજીભાઈના વિચારોને પોતાનો જીવનમંત્ર બનાવી ચૂકેલા નર્મદાબેન 77 વર્ષની ઉંમરે અડીખમ અન્નપૂર્ણા યજ્ઞ દ્વારા સેવાનું ઉત્ત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યા છે. સેવાની આ સૂરતને અને અન્નપૂર્ણાની આ મૂરતને વીટીવીના સો-સો સલામ...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ