આકરા ઉનાળા વચ્ચે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. માત્ર પાંચ જ દિવસમાં 2 મીટર જેટલી જળસપાટી વધી છે એટલે આવાનાર દિવસોમાં ગુજરાતની જનતાએ પીવાના પાણીની સમસ્યા નહી સર્જાયય
નર્મદા ડેમની જળસપાટી વધી
મધ્યપ્રદેશમાં વીજળીની માંગ વધતા પાવરહાઉસ શરુ કરાયા છે પરિણામે નર્મદા ડેમની જળસપાટી 120.14 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 1 હજાર 170 MCM જેટલો પાણીનો સંગ્રહિત જથ્થો છે. જે 15 જુલાઇ સુધી ખેડૂતોને આપી શકાય તેટલા પ્રમાણમાં પુરતો છે. આગામી આઠ મહિના સુધી ચાલે તેટલો કુલ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉપરવાસમાંથી પાણીની આવક
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 22 હજાર 386 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. બે વર્ષ બાદ પ્રથમ વાર ઉનાળામાં નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. જો આગામી દિવસોમાં ચોમાસુ લંબાય તો પણ નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. ઉપરવાસમાં આવેલા ઈંદિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ હોવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે. મહત્વનું છે કે એક અઠવાડિયા અગાઉ ડેમમાં 50 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં જળાશયોમાં જળસંકટની ચિંતા !
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પાણીના સંગ્રહના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જળાશયોમાં હાલ 52.55 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. પાણીનો જથ્થો છે તેને જોતાં સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાવાનાની શક્યતા જોવાઇ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાણીનો સંગ્રહ 40 ટકાથી ઓછો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ જિલ્લાના જળાશયોમાં સૌથી વધુ 76.34 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછો માત્ર 21.09 ટકા પાણીનો જથ્થો છે. જિલ્લામાં પાણીનો સંગ્રહ ઓછો છે તે જિલ્લામાં પાણી સમસ્યા માટે સરકારે અત્યારથી જ નક્કર પગલાં લેવા પડશે નહીંતો આગામી મહિનાઓમાં પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછુ પાણી
સૌથી વધુ વિકટ પરિસ્થિતિ કચ્છ અને ઉત્તરગુજરાતની થશે કારણ કે કચ્છ જિલ્લાના જળાશયોમાં માત્ર 17 ટકા પાણીનો જથ્થો સંગ્રહ છે. આ સાથે ઉત્તર ગુજરાત પર નજર કરીએ તો ઉત્તરગુજરાતમાં માત્ર 10 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે. ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના જળાશયોમાં સાબરકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિ વિકટ છે. સાબરકાંઠામાં માત્ર 5.65 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. મહેસાણા જિલ્લાની સ્થિતિ થોડી સારી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લાના જળાશયોમાં 14.79 ટકા પાણી જથ્થો હાલ છે.