Nakhatrana Farmer Savan Call Agriculture Minister And Ask About Fertilizer price
જવાબ આપો /
હેલ્લો મંત્રી સાહેબ, હું ગુજરાતનો ખેડૂત બોલું છું, અમને આવી રીતે છેતરવાના? AUDIO ક્લિપ વાયરલ
Team VTV05:27 PM, 06 May 21
| Updated: 06:13 PM, 06 May 21
ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં નારાજગી, નખત્રાણાના ખેડૂત સાવન ઠક્કરે આર.સી ફળદુ અને પરસોત્તમ રૂપાલાને ફોન કરીને પૂછ્યા સવાલો
ચૂંટણી પછી ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં આક્રોશ
નખત્રાણાના ખેડૂતે કૃષિ રાજ્યમંત્રી રૂપાલાને કર્યો ફોન
ખેડૂતે ફોન પર કૃષિ રાજ્યમંત્રી રૂપાલાને વેધક સવાલો કર્યા
કચ્છના નખત્રાણાના એક ખેડૂતે ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફળદુને ખાતરના વધતા ભાવ મુદ્દે સવાલ કર્યા છે. મંત્રી આર.સી ફળદુ સાથેની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે. ફોન પર ખેડૂતે પ્રશ્ન પૂછતા કહ્યું કે, ખાતર પર ભાવવધારો કરીને તમે અમને કેમ છેતર્યા. જવાબમાં ફળદુ બોલ્યા કે, ભાવ વધારો પેટ્રોલિયમ કંપનીઓએ કર્યો છે અમે કર્યો નથી. તો ખેડૂતે સામે સવાલ કર્યો કે સરકાર એ ભાવવધારો પોતાના પર લઈને સસ્તુ ખાતર આપી શકે નહીં.
જે અંગે આર.સી ફળદુએ ખેડૂત સાવન ઠક્કરને કહ્યું કે, અમારી રજૂઆતો ચાલૂ જ છે. તો ખેડૂતે સામો પ્રશ્ન કર્યો કે જો તમે રજૂઆતો કરી હોત તો ભાવ જ ન વધ્યા હોત. ચૂંટણી સમયે તમે કહેતા હતા કે કોંગ્રેસ રાજકારણ કરે છે હવે તો ભાવ વધી ગયા. ખેડૂતે સલાહ આપતા કહ્યું કે, સરકાર કાચા માલનો બોઝ માથે લઈ લે અને ખેડૂતોને સસ્તુ ખાતર આપવું જોઈએ.
નખત્રાણાના ખેડૂત સાવન ઠક્કર
મહત્વનું છે કે, ચૂંટણી પછી ખાતરના ભાવ વધતા ખેડૂતોના ગુસ્સાનો કેન્દ્રીય અને ગુજરાતના મંત્રીઓએ ભોગ બનવું પડ્યું. ખેડૂતોએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અને ગુજરાતના કૃષિ મંત્રી સહિતના નેતાઓને ફોન કરીને જવાબ માગ્યા હતા.
રાજ્યના કૃષિ મંત્રીને ફોન કરનાર વ્યક્તિ સાવન ઠક્કર
કચ્છના નખત્રાણાના ખેડૂત સાવન ઠક્કરે ફોન પર ગુજરાતના કૃષિ મંત્રી અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી રૂપાલાને પણ ફોન કરી ખાતરના વધતા ભાવ અંગે સવાલો કર્યા છે. ખેડૂતે કહ્યું કે, ભાષણોથી તમારો પક્ષ ભાજપ ચાલતો હશે પણ ભાવ વધારાથી ખેતી નહી થઈ શકે. તમારી વાત માનીને ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા હવે તમે ભાવ કેમ વધવા દો છો. ચૂંટણી પુરી થઈ એટલે તમે ખાતરના ભાવ વધારીને ખેડૂતોને છેતર્યા છે. તો બીજી તરફ ખેડૂતના ફોન દરમિયાન કૃષિ રાજ્યમંત્રી માત્ર હા, જી કરતા રહ્યાં હતા.
કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રાસાયણિક ખાતરમાં ભાવ વધારાના મામલે કૃષિમંત્રી આર.સી ફળદુ અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પર નિશાન સાંધ્યુ છે. પ્રતાપ દુધાતે કહ્યુ કે પેટાચૂંટણી સમયે કૃષિમંત્રીએ કહ્યું હતું કે ખાતરમાં ભાવ વધારો નહીં થાય. તો મનસુખ માંડવિયાએ પણ ભાવવધારો ન થાય તેવું જણાવ્યું હતું. એ વખતે કોંગ્રેસે વિરોધ કર્યો ત્યારે કૃષિમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ગેરમાર્ગે દોરે છે, આવો કોઈ ભાવવધારો નથી થવાનો. હવે મનસુખ માંડવિયા અને આર.સી. ફળદુ ખાતરમાં ભાવવધારા અંગે સ્પષ્ટતા કરે.