ગુજરાતમાં N95 માસ્કના ભાવ પર રાજકારણ ગરમાયુ છે. માસ્કને લઈને કેમિસ્ટ એસોસિયેશન અને સરકાર આમને સામને થયા છે. સરકાર દ્વારા N-95 માસ્ક અમૂલમાં 65 રૂપિયામાં વેચવાની જાહેરાત કરાઈ છે. અમૂલમાંથી મળતા N-95 માસ્કની ગુણવત્તા પર કેમિસ્ટ એસોસિયેશને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે દવાની દુકાનોમાં માસ્ક જ ન હોવાનું સામે આવ્યું છે.
સરકાર અને કેમિસ્ટ એસોસિયેશન આવ્યા હતા સામસામે
સ્ટિંગ ઓપરેશનમાં દુકાનદાર પાસે માસ્ક ન હોવાનું સામે આવ્યું
કેમિસ્ટ એસોસિએશન દ્વારા N-95 માસ્ક 50 રૂપિયામાં વેચવાનું નક્કી કર્યુ
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં માસ્ક પોલિટીક્સ શરૂ થયું છે. ત્યારે માસ્કના વિવાદ વચ્ચે દવાની દુકાનનોમાં પૂરતા પ્રમાણમાં માસ્ક ઉપલબ્ધ ન હોવાનો ખુલાસો થયો છે. માસ્કને લઇ ભાજપ યુવા મોર્ચા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. જેમાં દુકાનદારે તેની પાસે માસ્કનો સ્ટોક ન હોવાનું જણાવ્યું હતુ.
મહત્વનું છે કે કેમિસ્ટ એસોસિયેશન સરકાર સામે પડ્યું હતું અને 65 રૂપિયાના બદલે N-95 માસ્કને 50 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. જેને લઇ ભાજપ યુવા મોરચા દ્વારા ઓપરેશન કરાયું હતું જેમાં દુકાનદારો પાસે માસ્ક જ ન હોવાનો ખુલાસો થયો હતો.
GCAના મેડિકલ સ્ટોર્સ દ્વારા અત્યાર સુધી રૂપિયા ખંખેર્યાઃ ભાજપ પ્રવક્તા
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશને 65ને બદલે 50 રૂપિયામાં માસ્ક આપવાની વાત કરી છે. ત્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનને અભિનંદન પાઠવતાની સાથે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે 150થી 250 રૂપિયામાં માસ્ક વેચાતા હતા એ નિર્ણય કોનો હતો. GCAના મેડિકલ સ્ટોર્સ દ્વારા અત્યાર સુધી રૂપિયા ખંખેર્યા છે. તો સાથે જ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા વેચાતા માસ્ક ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે. અમૂલ પાર્લરમાં વેચાતા માસ્ક IIT લેબોરેટરી સર્ટિફાઈડ છે.
સરકારે અમૂલ કોર્નર કરતા મેડિકલ સ્ટોર પર વેંચવાની જરૂર હતીઃ કેમિસ્ટ એસોસિયેશન સેક્રેટરી
પ્રશાંત વાળાના ટ્વીટ ઉપર GCAએ પ્રતિક્રિયા આપી હતી. એસોસિયેશનના સેક્રેટરી રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે સરકારના ધારાધોરણો પ્રમાણેના માસ્ક છે. માસ્કની ક્વોલિટીની ચકાસણી કરી છે. આ ISI માર્ક વાળા સર્ટિફાઇડ માસ્ક છે. સરકારે લીધેલા નિર્ણયથી અમને દુઃખ છે. સરકારે અમૂલ કોર્નર કરતા મેડિકલ સ્ટોર પર વેંચવાની જરૂર હતી. માસ્ક બનાવનાર કંપની અમદાવાદની છે. અમદાવાદમાં 15 હજાર માસ્ક વેચવામાં આવશે. 2500 મેડિકલ સ્ટોર ઉપર 50 રૂપિયામાં N95 માસ્ક મળશે. ગુજરાતમાં 32 હજાર મેડિકલ સ્ટોર ઉપર માસ્ક મળશે. અમે ગુજરાત સરકારના અભિગમ સાથે છીએ.