mysterious metal balls fell from space in three villages of anand gujarat news
રહસ્ય /
આણંદમાંથી ફૂટબોલ આકારના રહસ્યમય ગોળા મળી આવતા ચકચાર, આકાશમાંથી પડ્યા હોવાનો ગ્રામજનોનો દાવો
Team VTV11:38 AM, 13 May 22
| Updated: 11:44 AM, 13 May 22
ગુજરાતના આણંદ જિલ્લામાં ફૂટબોલના આકારના ત્રણ રહસ્યમય ટુકડાઓએ ભારે કુતૂહુલ જગાડ્યુ છે. ચારેકોર આ ગોળાઓને લઈને ચર્ચા ચાલી રહી છે. તો જાણો શું છે આખો મામલો
આણંદના ભાલેજ પાસે આકાશથી આવ્યો શંકાસ્પદ પદાર્થ
ટુકડા સેટેલાઇટનો ભાગ હોવાની ગામલોકોમાં ચર્ચા
સમગ્ર મામલે FSLની ટીમની લેવાશે મદદ
ગુજરાતના આણંદ જિલ્લામાં ફૂટબોલના આકારના ત્રણ રહસ્યમય ટુકડાઓએ હલચલ મચાવી દીધી છે. ગ્રામજનોમાં આ પદાર્થને લઈને કુતૂહુલ જાગેલું છે કે આ પદાર્થ ગામમાં આવ્યા ક્યાંથી?
જીતપુરા દાગજીપૂર અને ખાનકુવા પાસે બની ઘટના
જિલ્લાના ત્રણ વિસ્તારોમાં આ ટુકડાઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જીતપુરા દાગજીપૂર અને ખાનકુવા પાસે આ ઘટના બની હોવાના સમાચાર છે. તેમના આકાર અને તેમના પરની માટી જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ અવકાશમાંથી પડ્યા છે. જો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટ બાદ જ આ વાતની પુષ્ટિ થશે.
પોલીસે આ અંગે ફોરેન્સિક ટીમને જાણ કરી
ગામલોકો દાવો કરી રહ્યા છે કે આ ટુકડા આકાશમાંથી પડ્યા છે અને તેથી તેઓ માને છે કે તેમનો અવકાશ સાથે કોઈ સંબંધ છે, જ્યારે પોલીસને આ અંગે શંકા છે. પોલીસે આ અંગે ફોરેન્સિક ટીમને જાણ કરી છે અને જિલ્લા પોલીસ પણ તેના સ્તરે તપાસ કરી રહી છે.
અવકાશી પદાર્થો હોવાનો ગામલોકોનો દાવો
ગ્રામજનોના જણાવ્યા મુજબ, શંકાસ્પદ કાટમાળના ટુકડા આકાશમાંથી આવ્યા હતા અને આજે સાંજે 4.45 વાગ્યે ભાલેજ, ખંભોલજ અને રામપુરા ખાતે જમીન પર પડ્યા હતા, એવું જિલ્લા પોલીસે જણાવ્યું હતું.
આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે છે. પહેલા 5 કિલો બ્લેક ધાતુનો ટુકડો ભાલામાં પડ્યો હતો અને પછી ખંભોળજ અને રામપુરામાં સમાન ટુકડાઓ નોંધાયા હતા. આ પછી ગામલોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ ટુકડાઓ જોયા અને તપાસ શરૂ કરી.
પોલીસ અધિકારીનું નિવેદન
આણંદના પોલીસ અધિકારી અજિત રઝિયાને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ધાતુનો દડો ઉપગ્રહનો કાટમાળ હોવાની આશંકા છે. રઝિયાને કહ્યું, “પ્રથમ ટુકડો લગભગ 4.45 વાગ્યે પડ્યો અને થોડી જ વારમાં અન્ય બે જગ્યાએથી સમાન અહેવાલો આવ્યા. જો કે તેમના તરફથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
FSL ના રીપોર્ટ બાદ જ જાણવા મળશે
પોલીસ કહ્યું હતું કે અમને ખાતરી નથી કે તે અવકાશનો કાટમાળ છે કે કેમ, પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ટુકડા આકાશમાંથી પડ્યા છે.
પોલીસ અધિકારી રઝિયાને એમ પણ કહ્યું હતું કે જિલ્લા પોલીસે તપાસ શરૂ કરવા માટે FSL નિષ્ણાતોની ટીમને બોલાવી છે. “FSL ટીમ આવીને તેની તપાસ કરશે. અમે આ ઘટનામાં કેસ નોંધ્યો છે અને આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. દરમિયાન, જિલ્લા પોલીસ અધિકારીઓ પણ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રહસ્યમય લાગતી આ વસ્તુઓ શું હોઈ શકે છે. જો કે વધુ માહિતી તો FSL ના રીપોર્ટ બાદ જ જાણવા મળશે.