અમદાવાદના ભુવાલડી પાસેની સીમમાંથી ગળું કાપેલી હાલતમાં મળી આવેલી દેરાણી-જેઠાણીની લાશના ચકચારી કિસ્સામાં અમદાવાદ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અમદાવાદના ભુવાલડી પાસે દેરાણી-જેઠાણીની ક્રૂર હત્યા
અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસેની સીમમાં ગઇ કાલે ગળું કાપેલી હાલતમાં મળી આવેલી દેરાણી-જેઠાણીની લાશના ચકચારી કિસ્સામાં અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને મહિલાઓની હત્યા અંગત કારણોસર કરવામાં આવી હોવાનું પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. પહેલાં એક મહિલાની હત્યા થઇ ત્યાર બાદ હત્યારાએ બીજી મહિલાની હત્યા કરી, કારણ કે બંને મહિલાઓની લાશ વચ્ચે 50 ફૂટ કરતાં વધુ અંતર હતું. પારિવારિક ઝઘડા કે પછી અંગત અદાવતમાં બંને મહિલાઓની ક્રૂર હત્યા ક૨વામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
મૃતકની તસવીર
લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી
એસપી રિંગરોડ નજીક આવેલા ભુવાલડી ગામ પાસેના ઝાણું ગામની સીમમાં ગઇ કાલે દેરાણી-જેઠાણીની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. ભુવાલડી ગામમાં રહેતાં ગીતાબહેન અને મંગીબહેન ઠાકોર નામનાં દેરાણી-જેઠાણી નિત્યક્રમ મુજબ બપોરના સમયે લાકડાં લેવા માટે સીમમાં ગયાં હતાં, જોકે સામાન્ય રીતે તેઓ બપોરના સમયે ઘરે પરત આવી જાય છે, પરંતુ સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન ઝાણું ગામની સીમની અવાવરુ જગ્યામાંથી તેમની લાશ મળી આવી હતી. બંને દેરાણી- જેઠાણીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી આવી હતી, જેથી કણભા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દેરાણી-જેઠાણી પર અત્યંત ક્રૂરતાપૂર્વક ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. કણભા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જ્યારે જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ છે.
મૃતકની તસવીર
પોલીસ તપાસ
ભુવાલડી ગામ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, જેથી હત્યાના સમાચાર મળતાંની સાથે નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં, જોકે બંને મહિલાઓની લાશ ઝાણું ગામની સીમમાંથી મળી આવી હોવાના કારણે અમદાવાદ જિલ્લા પોલીસની હદ શરૂ થઇ ગઇ હતી. નિકોલ પોલીસ અને ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહ્યાં હતાં ત્યારે કણભા પોલીસ પણ આવી પહોંચી હતી, જ્યાં તેમણે ગુનો દાખલ કર્યો હતો.