દુઃખદ /
તીર્થને બચાવવા માટે 72 વર્ષના જૈનમુનિએ પ્રાણ છોડ્યા: 10 દિવસથી કરી રહ્યા હતા ઉપવાસ
Team VTV03:52 PM, 03 Jan 23
| Updated: 03:55 PM, 03 Jan 23
ઝારખંડ સરકારના નિર્ણયની સામે છેલ્લા 10 દિવસથી આમરણ ઉપવાસ કરી રહેલા જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. જૈન મુનિને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી છે.
જૈન તીર્થધામને બચાવવા મુનિએ આપ્યું બલિદાન
છેલ્લા 10 દિવસથી કરી રહ્યા હતા આમરણ ઉપવાસ
જયપુરમાં સુજ્ઞેયસાગર મહારાજને આપવામાં આવી સમાધિ
ઝારખંડમાં જૈન તીર્થ સમેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. તેઓ ઝારખંડ સરકારના નિર્ણયની સામે છેલ્લા 10 દિવસથી આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર મહારાજ 72 વર્ષના હતા.
જયપુરમાં આપવામાં આવી સમાધિ
ઝારખંડ સરકારના નિર્ણય બાદ મુનિ સુજ્ઞેયસાગર સાંગાનેરમાં 25 ડિસેમ્બરથી ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે તેમની ડોલ યાત્રા સાંગાનેર સાંઈજી મંદિરેથી કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન મુનિને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી છે.
જૈન સમાજના લોકો કરી રહ્યા છે વિરોધ
ઝારખંડ સરકારે ગિરિડીહ જિલ્લામાં આવેલા પારસનાથ ટેકરીને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. સમગ્ર દેશમાં જૈન સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પારસનાથ ટેકરી વિશ્વભરના જૈન ધર્મના લોકોમાં સર્વોચ્ચ તીર્શ સંમેદ શિખર તરીકે પ્રખ્યાત છે.
વધુ એક જૈન મુનિ સમર્થ સાગરે પણ અન્નનો કર્યો ત્યાગ
ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું કે, મુનિશ્રીએ સમેદ શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે. તેઓ તેની સાથે જોડાયેલા હતા. જૈન સાધુ સુનિલ સાગરે કહ્યું કે, સમેદ શિખર અમારી શાન છે. આજે 6 વાગ્યે મુનિ સુજ્ઞેયસાગર મહારાજનું નિધન થયું. જ્યારે તેમને ખબર પડી કે સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર તેમણે પોતાની જાતને ધર્મને સમર્પિત કરી દીધી છે. હવે મુનિ સમર્થ સાગરે પણ અન્નનો ત્યાગ કરીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.
સુનિલ સાગર મહારાજ પાસેથી લીધી હતી દીક્ષા
મુનિ સુજ્ઞેયસાગરનો જન્મ જોધપુરમાં થયો હતો, પરંતુ તેમનું કાર્યસ્થળ મુંબઈનું અંધેરી રહ્યું. તેમણે ગિરનારમાં આચાર્ય સુનિલ સાગર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. તેમણે બાંસવાડામાં મુનિ દીક્ષા અને સમેદ શિખરમાં ક્ષુલક દીક્ષા લીધી હતી. મુનિનું ઘરેલું નામ નેમિરાજ હતું.