mumbai cruise drugs case ncb said there was serious irregularity in the investigation of aryan khan case
Drugs Case /
આર્યન ખાનના કેસમાં NCB અધિકારી સમીર વાનખેડેની તપાસમાં 'ગંભીર છબરડા', એજન્સીએ ખુદ કર્યો ખુલાસો
Team VTV07:51 PM, 27 May 22
| Updated: 07:53 PM, 27 May 22
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને ક્રૂઝ શિપ પર ડ્રગ કેસમાં ક્લીનચીટ આપી હતી.
NCBએ શાહરૂખનાના દિકરા આર્યન ખાનને ડ્રગ કેસમાં ક્લિનચીટ આપી
SITની ટીમે આ કેસમાં ગંભીર અનિયમિતતા શોધી કાઢી
તપાસ કરનારી ટીમે ચકાસણીના નિયમોનું પાલન નથી કર્યું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને ક્રૂઝ શિપ પર ડ્રગ કેસમાં ક્લીનચીટ આપી હતી. આ સાથે, એજન્સીએ એવું કહ્યું હતું કે SIT એ આ કેસની તપાસમાં "ગંભીર અનિયમિતતાઓ" દાખવી હોવાનું ખુલ્યું છે. એજન્સીના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આર્યનની ધરપકડ કરનાર તેની પ્રથમ ટીમે આરોપીની ફરજિયાત મેડિકલ ચેકીંગ, દરોડા પાડ્યા તેનું વિડિયો રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ્સ માટે પુરાવાની ચકાસણી જેવા નિયમોનું પાલન કર્યું નહોતું.
એનસીબીના ડાયરેક્ટર જનરલ (ડીજી) એસ. એન. પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, તપાસમાં ખામીઓ હતી અને કોર્ટમાં આરોપોને સમર્થન આપવા માટે આરોપીઓની વોટ્સએપ ચેટ અંગે કોઈ ચકાસી શકાય તેવા પુરાવા નથી. NCBએ શુક્રવારે 2021ના કેસમાં 14 આરોપીઓ વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં લગભગ 6,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તે જ સમયે, પૂરતા પુરાવાના અભાવે, આર્યન ખાન સહિત છ સામે આરોપો મૂકવામાં આવ્યા નહોતા.
આર્યન ખાનની ભૂમિકા પર અધિકારીઓએ શું કહ્યું ?
પ્રધાને કહ્યું કે, ચાર્જશીટ દાખલ કરવાની છેલ્લી તારીખ સુધી અમારી વિશેષ તપાસ ટીમને જે મળ્યું તેના આધારે અમે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં આર્યન ખાનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા, એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) અને એસઆઈટીના વડા સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે, મૂળ આધાર એ છે કે, તેનો મિત્ર (અરબાઝ ખાન) તેના માટે માદક દ્રવ્ય લઈ રહ્યો હતો અને તે સાબિત થયું નહોતું.
સમીર વાનખેડે
આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી
સિંહે કહ્યું કે તેના મિત્ર (અરબાઝ ખાને) એ વાતનો ઈન્કાર કર્યો કે, તેણે આર્યન ખાન માટે ડ્રગ્સ લીધું હતું. હકીકતમાં, તેણે SITને કહ્યું કે આર્યન ખાને કહ્યું હતું કે, ક્રૂઝ પર કોઈ માદક દ્રવ્ય લાવવામાં ન આવે કારણ કે NCB ખૂબ સક્રિય છે. સિંહે કહ્યું કે આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે તે પુષ્ટિ કરે કે તેણે નર્કોટિક પદાર્થનું સેવન કર્યું હતું, તેને ખરીદ્યું હતું અથવા કોઈ ષડયંત્રમાં સામેલ હતો. આથી તેની સામેના આરોપો કાયદાકીય રીતે ટકી શકશે નહીં.
સમીર વાનખેડેની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી
તેમણે કહ્યું કે, NCB ટીમે આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હતું કે, નહીં તે સાબિત કરવા માટે કોઈ મેડિકલ તપાસ કરી નથી. તેમણે કહ્યું કે NCB ટીમે ગયા વર્ષે 2-3 ઓક્ટોબરની રાત્રે ક્રૂઝ પર પાડવામાં આવેલા દરોડાની કોઈ વીડિયોગ્રાફી કરી ન હતી. તત્કાલિન ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ક્રૂઝ પર કાર્યવાહી કરવામાં આવી હતી.