તમને દેશના કોઇ પણ વિસ્તારમાં એવા લોકો મળી જશે જેમના ઘરમાં વિજળીની સમસ્યા હશે તેમ છતાં બિલમાં મોટી રકમ ભરવી પડતી હોય છે. ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલૂ' ની સ્ટોરી આ જ સમસ્યા પર આધારિત છે પરંતુ અહીં ઉત્તરાખંડના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વીજળી કંપનીઓની મનમાની પર આધારિત છે.
સ્ટોરી:
સુશીલ કુમાર પંત એટલે કે એસ.કે (શાહિદ કપૂર) લલિતા નૌટિયાલ એટલે કે નૌટી (શ્રદ્ઘા કપૂર) અને સુંદર મોહન ત્રિપાઠી (દિવ્યેંદુ શર્મા) 3 મિત્રો છે જે ઉત્તરાખંડના નવી ટિહરીમાં રહે છે. એસ.કે. વ્યવસાયે વકિલ છે જે કોઇ પણ રીતે પૈસા કમાવવા લાગેલો છે અને લોકોને જૂઠા કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવે છે. નૌતી એક ફેશન ડિઝાઇનર છે. મોટાભાગની હિન્દી ફિલ્મોની જેમ અહીં પણ બંને એક છોકરીના પ્રેમમાં પડે છે પરંતુ નૌટી ત્રિપાઠીને પસંદ કરે છે. આ કારણે તેમની મિત્રતા તૂટી જાય છે. ત્રિપાઠી એક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરે છે. વીજળી ઘણો ઓછો સમય આવતી હોવા છતાં પહેલા જ મહિનામાં તેની પ્રેસનું બિલ 1.5 લાખ રૂપિયા આવે છે તે ફરિયાદ કરે છે અને તેની કોઇ સુનાવણી થતી નથી. ઉપરથી તેનું બિલ વધીને 54 લાખ આવે છે જેનાથી હતાશ થઇને ત્રિપાઠી આત્મહત્યા કરે છે જે પછી એસ.કે ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે જ્યાં તેનો સામનો એડવોકેટ ગુલનીર (યામી ગૌતમ) સાથે થાય છે. શું એસ.કે પોતાના મિત્રને ન્યાય અપાવી શકશે? જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
કેવી છે ફિલ્મ:
ડિરેક્ટર શ્રીનારાયણ સિંહ ટૉઇલેટ એક પ્રેમ કથા પછી ફરી એકવખત નાના શહેરની સ્ટોરી પસંદ કરી છે. પરંતુ ફિલ્મમાં સ્થાનિક ભાષાના નામે વધારે પડતો બલ અને ઠહરા શબ્દોને ઉપયોગ થતા હિન્દી ભાષી દર્શકોને સમજવામાં અધરું પડે છે. ફિલ્મની લંબાઇ લગભગ 3 કલાકની છે જે ઘણી વધારે છે. શરૂઆતના 1 કલાક ફિલ્મ જરૂરથી બોર કરશે જોકે બાદમાં તમે થિયેટરમાં રોકાઇ જશો કેમકે ફિલ્મ તમને જકડી રાખશે.