BIG BREAKING /
ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ શરણે, 93 દિવસે મોરબી કોર્ટમાં કર્યું સરેન્ડર, ડાહી-ડાહી વાતો વામણી
Team VTV03:16 PM, 31 Jan 23
| Updated: 04:21 PM, 31 Jan 23
મોરબી પુલ દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ઓરેવા ગ્રુપના માલિક અને આરોપી જયસુખ પટેલે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.
મોરબી પુલ દુર્ઘટના કેસમાં સૌથી મહત્વના સમાચાર
ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું
આરોપી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો
મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓરેવા ગ્રુપના માલિક અને આરોપી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.
જયસુખ પટેલને આશરો આપનાર સામે થઇ શકે છે કાર્યવાહીઃ સરકારી વકીલ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેની પોલીસ રિમાન્ડની અરજી કરવામાં આવશે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુન્હો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.
ચાર્જશીટમાં થયો મોટો ધડાકો
ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો છે. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું છે.
મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ
મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ આરોપી ગણાવવામાં આવશે.
વકીલે કરી હતી આગોતરા જામીન અરજી
મોરબી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને અચાનક તેના વકીલે 24મી જાન્યુઆરીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, મોરબીની કોર્ટે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.
શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીત
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની કરવામાં આવી ધરપકડ
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સામે ઈશ્યૂ થઇ ચૂક્યું છે વોરન્ટ