અમદાવાદ કોર્પોરેશનમાં નવીન અઢી વર્ષ માટે તમામ પાંચ હોદ્દેદારોની સત્તાધારી પક્ષ દ્વારા નિમણૂંક કરી દેવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીનાં નવીન ચેરમેનનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જે બેઠકમાં રખડતા ઢોરોની સમસ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
AMC ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી
બેઠકમાં રખડતા ઢોરોને લઈ લેવાયો મહત્વનો નિર્ણય
AMC ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બનાવશે ઢોરવાડા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીનાં નવીન ચેરમેન દેવાગ દાણીનાં અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ અમદાવાદ શહેરમાં હાલ જે ઢોરવાડા છે તે ફૂલ થતા નવા ઢોરવાડા બનાવવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે હાલ 4500 થી વધુ ઢોર પકડાતા ઢોરવાડા ફૂલ થયા છે. હવે AMC ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઢોરવાડા બનાવશે.
સ્વ બચાવ માટે દંડો લીધોઃ નેહા કુમારી
અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલા AMC નાં ડેપ્યુટી કમિશ્નર નેહા કુમારી અને ઢોર માલિકો વચ્ચે તું.....તું.....મૈ...મૈ.... સર્જાતા મામલો વધારે બિચક્યો હતો. ત્યારે ડેપ્યુટી કમિશ્નર નેહા કુમારી વટવા ખાતે ઢોર માલિકો સાથે થયેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ઢોર માલિકો તેમજ અધિકારી વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતે નેહા કુમારીએ જણાવ્યું હતું કે ટીમ પર હુમલો થયો હતો એટલે સ્વ બચાવ માટે દંડો લીધો હતો.
મહિલાએ હાથમાં પાઈપ લઈને હુમલો કર્યો
રખડતી ગાયોનાં ટોળેટોળાં જોવા મળી રહ્યા છે
આપણું શહેર વિકાસની દૃષ્ટિએ ભારે હરણફાળ ભરી રહ્યું છે. દેશના સૌથી વધુ એવા લવેબલ - લિવેબલ શહેરનું બિરુદ પણ અમદાવાદ પાસે છે, પરંતુ અજાણ્યા આગંતુક માટે તો અમદાવાદ એટલે કે ગોકુળિયું ગામ જ હોય તેવી છાપ પડતી રહી છે. શહેરમાં ઠેર ઠેર રોડ, ફૂટપાથ, ડિવાઇડર, શાકમાર્કેટ વગેરે જગ્યાઓ પર રખડતી ગાયોનાં ટોળેટોળાં જોવા મળતાં રહ્યાં છે, જેના કારણે સ્વાભાવિકપણે લોકો રખડતાં ઢોરની અડફેટે મુકાઈ ઈજાગ્રસ્ત થાય કે દુર્ભાગ્યવશ મૃત્યુ પામે તેવું પણ થતું રહ્યું છે. આની સામે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કમર કસી હોય તેમ રોજનાં ૧૨૦ ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેને સફળતા મળી હોઈ ચાલુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા ૧૩ દિવસમાં જ તંત્રએ ૧૯૦૦થી વધુ ઢોર પકડી લીધાં છે.
અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આજની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા 129 જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા તથા 11669 kg ધાસચારો જપ્ત કરાયો હતો.#amc#amcforpets#cattle#pashupalan#ahmedabadpic.twitter.com/uRwB3v6i6M
એપ્રિલ થી લઈ ઓગસ્ટ સુધી પકડાયેલા ઢોર
એક સમયે શહેરમાંથી રોજનાં ૩૦ ઢોર પકડાતાં હતાં. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મહિનાદીઠ ઢોર પકડવાની તંત્રની કામગીરીને જો જોઈએ તો તેનો સત્તાવાર રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે એપ્રિલમાં ૧૦૮૧ ઢોર પકડવામાં આવ્યાં હતાં, જે રોજનાં ૩૬ ઢોર થતાં હતાં. મે મહિનામાં ૧૧૨૨ ઢોર પકડવામાં આવ્યાં હતાં એટલે તે મહિનામાં પણ ઢોરને પકડવાની રોજની સરેરાશ સંખ્યા જળવાઈ રહી હતી. જૂનમાં તો માત્ર ૯૨૦ ઢોર પકડવામાં આવ્યાં હતાં. જુલાઈમાં ૧૨૮૧ ઢોર પકડીને તંત્રએ રોજ ૪૧ ઢોર પકડવાની કામગીરી કરી હતી. ગત ઓગસ્ટ મહિનામાં સત્તાવાળાઓએ ૧૩૫૧ ઢોર પકડીને રોજનાં ૪૫ ઢોરને ઢોરવાડામાં પૂર્યાં હતાં.
સરકાર દ્વારા રખડતા ઢોરની સમસ્યાનાં નિરાકરણ માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો
હવે નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી હેઠળ તંત્રએ ખાસ એક્શન પ્લાન ઘડીને લોકોને રખડતાં ઢોરની રંજાડથી રાહત આપવાની દિશામાં સરાહનીય પ્રયાસ આરંભ્યા છે. ગત ઓગસ્ટ મહિનામાં તો ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગે પશુપાલકોને નવી પોલિસી અંગે વ્યાપક સમજણ આપી હતી, જોકે હવે ગત તા. ૧ સપ્ટેમ્બરથી સત્તાધીશોએ શહેરમાં સપાટો બોલાવવા લીધો છે.
મહિલા હાથમાં પથ્થર લઈ પોલીસ પર હુમલો કર્યો
1 લી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી પકડેલ ઢોર
શહેરમાંથી ગત ૧ સપ્ટેમ્બરે ૮૮ ઢોર, ૨ સપ્ટેમ્બરે ૧૨૫, ૩ સપ્ટેમ્બરે ૧૧૫, ૪ સપ્ટેમ્બરે ૧૫૨, ૫ સપ્ટેમ્બરે ૩૦૨, ૬ સપ્ટેમ્બરે ૩૩૫, ૭ સપ્ટેમ્બરે જન્માષ્ટમી હોઈ એક પણ ઢોર પકડવામાં આવ્યું નહોતું. ૮ સપ્ટેમ્બરે ૧૧૭, ૯ સપ્ટેમ્બરે ૧૪૩, ૧૦ સપ્ટેમ્બરે ૧૩૮, ૧૧ સપ્ટેમ્બરે ૧૮૧, ૧૨ સપ્ટેમ્બરે ૧૨૬ અને ૧૩ સપ્ટેમ્બરે એટલે કે ગઈ કાલે ૧૩૧ ઢોર પકડનાર મ્યુનિસિપલ સત્તાવાળાઓએ છેલ્લા ૧૩ દિવસમાં ૧૯૫૩ ઢોર પકડવામાં સફળતા મેળવી છે.
પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસી હેઠળ પકડાયેલાં પશુઓને છોડાવવાનો દંડ કે ચાર્જના હયાત દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગાય, ભેંસ અને બળદ માટે રૂ. ૩૦૦૦નો દંડ અને એક દિવસના રૂ. ૫૦૦ ખોરાકી ખર્ચ તેમજ ૫૦૦ વહીવટી ખર્ચ અગાઉની જેમ જ વસૂલાઈ રહ્યો છે. સપ્ટેમ્બરના છેલ્લા ૧૩ દિવસમાં પશુપાલકો દ્વારા ૧૭૯ ઢોરને છોડાવવામાં આવ્યાં હતાં અને તંત્રએ ઢોર છોડાવવા સહિતના મામલે પશુપાલકો પાસેથી રૂ. ૧૦,૮૦,૬૦૦નો દંડ વસૂલ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તંત્ર દ્વારા એપ્રિલમાં રૂ. ૭,૫૧,૨૩૩, મે મહિનામાં રૂ. ૬,૪૦,૫૨૬, જૂનમાં રૂ. ૪,૯૪,૬૦૦, જુલાઈમાં રૂ. ૭,૧૨,૬૦૦ અને ગયા ઓગસ્ટમાં રૂ. ૬,૫૨,૩૪૮ દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા. આમ સપ્ટેમ્બર મહિનાના માત્ર ૧૩ દિવસમાં તંત્રએ સૌથી વધુ દંડ વસૂલ્યો છે. તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ છેલ્લા સાડા પાંચ મહિનામાં કુલ રૂ. ૪૩,૩૧,૯૦૭નો દંડ પશુપાલકો પાસેથી લેવાયો છે.
વટવામાં ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો
મ્યુનિસિપલ તંત્રની ઢોર પકડવાની કામગીરી ભારે કશ્મકશભરી છે, કેમ કે ઢોર પકડતી વખતે બાઇકર્સ ગેંગ સ્થળ પરનાં ઢોરને સગેવગે કરી દે છે તો અમુક વખતે ઢોર પાર્ટી પર લાકડી અને પથ્થર લઈને હુમલા પણ કરાય છે. વટવામાં ઢોર પાર્ટી પર ગત ૬ સપ્ટેમ્બરે હુમલો થતાં તંત્રએ તે અંગે પોલીસ ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.