બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / મોરબીમાં ત્રિલોકેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ સાથે શનિદેવ બિરાજમાન
Last Updated: 06:12 AM, 20 January 2025
સૌરાષ્ટ્રમાં મહાદેવજીના અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરનો અલગ અલગ ઈતિહાસ હોય છે. મોરબીના ત્રિલોકધામમાં આવેલું ત્રિલોકેશ્વર મહાદેવનું મંદિર બે દાયકા પહેલા ઘરે ઘરેથી ફાળો ઉઘરાવી અને લોક ડાયરા યોજી તેમાંથી એકત્રિત થયેલા ભંડોળમાંથી બનાવવામાં આવેલુ છે. મોરબીવાસીઓ ત્રિલોકેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધા સાથે જોડાયેલા છે. દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા માટે તેને લોકો તેમની નજીકમાં અને દૂરના મંદિરોમાં જતા હોય છે. મોરબી જિલ્લામાં મહાદેવના અનેક મંદિરો આવેલા છે. શહેરના નવલખી રોડ પર આવેલી કુબેર નગર સોસાયટીમાં ત્રિલોકેશ્વર મહાદેવનું સુંદર મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે માત્ર મોરબી શહેર જ નહિ પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો અહિં શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવે છે.
ADVERTISEMENT
મોરબીમાં બિરાજમાન ત્રિલોકેશ્વર મહાદેવ
ADVERTISEMENT
નવલખી રોડ પર કુબેરનગર સોસાયટી બની અને તેની આજુબાજુના વિસ્તારનો વિકાસ થયો ત્યારે આ વિસ્તારમાં કોઈ મંદિર નહોતુ એટલે સ્થાનિક લોકોએ સોસાયટીના કોમન પ્લોટમાં મંદિરનું નિર્માણ કરવા નિર્ણય કર્યો હતો અને તેના માટે સોસાયટીમાંથી જ ભંડોળ એકત્રિત કરી મંદિર બનાવવાનું આયોજન કર્યુ અને સુંદર મંદિરનું નિર્માણ કરી તેમાં મહાદેવજી, રામ દરબાર અને કૃષ્ણ દરબાર બિરાજમાન કરવામાં આવ્યા છે. 23 વર્ષ પહેલા કુબેરનગર સોસાયટીમાં ઘરે ઘરે જઈને ત્રિલોકધામ મંદિરના વર્તમાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ લોકો પાસેથી મંદિર માટે ભંડોળ એકત્રિત કર્યુ હતું જેમાં લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ભંડોળ આપ્યું હતું અને ત્યારબાદ ત્રિલોકધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે એક તબક્કે મંદિરનું નિર્માણ કાર્ય પુરતુ ભંડોળ ન હોવાના કારણે અટકી ગયું હતું એટલે ટ્રસ્ટીઓએ ડાયરાનું આયોજન કરી તેમાંથી બીજુ ભંડોળ એકત્રિત કરી મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યુ જે વર્તમાન સમયમાં ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
1100 દિવડાની આરતી અને મહાદેવજીને સુંદર શણગાર કરવામાં આવે છે
મહાદેવના મંદિરે શ્રાવણ મહિનામાં લોકોનો મેળો જામે છે. મંદિરે આવતા ભાવિક ભકતો રુદ્રી, દીપમાલા અને ભંડારામાં પ્રસાદીનો લાભ લે છે. શિવરાત્રીમાં પણ મંદિર ખાતે શિવ ભક્તો વિશેષ ઉજવણી કરે છે. વર્ષ દરમિયાન મંદિરે ચાર વખત મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં 1100 દિવડાની આરતી અને મહાદેવજીને સુંદર શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા માટે દૂરદૂરથી ભાવિક ભક્તો આવી મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ત્રિલોકધામ મંદિર પરિસરમાં શનિદેવની સુંદર મુર્તિ બિરાજમાન કરવામાં આવી છે. મંદિરે આવતા ભાવિક ભક્તો મહાદેવજી અને શનિદેવ અને દર્શન કર્યા બાદ પરિસરમાં બિરાજમાન નવગ્રહના પણ દર્શન કરે છે. મંદિરમાં પરિસરમાં બનાવવામાં આવેલી ગિરનારની આબેહૂબ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પટાંગણમાં અનેક દેવીદેવતાઓ અને સંતોની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
આ પણ વાંચો: રાણપુરમાં જાગતી મેલડી માતાજીનું મંદિર, માના આશીર્વાદથી બંધાય છે નિઃસંતાનના ઘરે પારણા
આસ્થાનું ધામ ત્રિલોકધામ
23 વર્ષથી આ મંદિર સાથે સાચી શ્રદ્ધાથી જોડાયેલા મોરબાવાસીઓ ત્રિલોકેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્ય થાય છે મહાદેવજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ભાવિકોના ધાર્યા કામ સિદ્ધ થાય છે જેથી કરીને ત્રિલોકધામ મંદિર સાથે મોરબી તથા આસપાસના વિસ્તારના લોકો આસ્થા સાથે જોડાયેલા છે. માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ મોરબીનું આ મંદિર મોખરે રહેતું હોય છે. શ્રદ્ધાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી મોરબીના કુબેર નગર વિસ્તારમાં આવેલા મહાદેવજીના મંદિરે લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલા છે અને ત્રિલોકધામ દાદાના દર્શન કરી લોકો ધન્ય થઈ સકારાત્મક ઉર્જાનો અહાસાસ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.