જામનગરમાં વરસાદની કાગડોળે રાહ જોતી જનતાને મેઘરાજાએ ભિંજવી દીધી છે. સૌરાષ્ટ્રના પેરીસ એવા જામનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે જામનગર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જોકે મોસમના પહેલા વરસાદમાં બાળકોએ મન મુકીને છબછબીયા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજ બપોર બાદ અચાનક વાદળો બંધાયા અને ધોધમાર વરસાદ ખાબકતા જામનગરવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સવા કલાકની અંદર દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા કેટલાય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પાણી ભરાયા હોવા છતાં લોકો સિઝનના પ્રથમ વરસાદને માણવા રોડ-રસ્તા પર ઉતરી આવ્યા.
આપને જણાવી દઇએ કે અચાનક મેઘ મહેરબાન થતા શહેરીજનો ખુશ થઇ ગયા હતા અને વરસાદની મોજ માણવા માટે રોડ-રસ્તા પર આવી પહોંચ્યા હતા. જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાને કારણે મુશ્કેલી ઉભી થઇ હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે શહેરમાં ઠંડક પ્રસરી હતી.