દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની હવે શરૂઆત થઇ ગઈ છે અને તેના કારણે લક્ષદ્વીપ કેરળ તમિલનાડુ પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના અનેક ભાગોમાં છેલ્લાં 24 કલાકમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે.
આગામી ત્રણથી ચાર દિવસમાં આંધ્રપ્રદેશ અને તેલંગણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આ ચોમાસુ દક્ષિણ અંદામાન સાગરકાંઠો નિકોબાર દ્વીપસમૂહ અને બંગાળના અખાતથી આગળ વધ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવાના નીચા દબાણ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન્સને કારણે રાયલસીમા આંધ્રપ્રદેશના દરિયાઇ વિસ્તાર અને તેલંગણામાં હળવો વરસાદ પડશે. આઇએમડીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાનના અનેક વિસ્તારોમાં આગળ વધ્યું છે.
જેથી હવે દક્ષિણ આરબ દરિયા કોમોરિન-માલ્દીવ્સના વિસ્તારો બંગાળના અખાત ઉત્તરી અંદામાનનો દરિયો અને બંગાળના અખાત તેમજ અંદામાન દ્વીપસમૂહોના અનેક ભાગોમાં આ ચોમાસુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થયા છે.
આગામી 48 કલાકમાં દક્ષિણ આરબના દરિયા લક્ષદ્વીપ કોમોરિન વિસ્તાર દક્ષિણ કેરળ દક્ષિણ તમિલનાડુ અને બંગાળના અખાત જેવા વિસ્તારમાં પણ ચોમાસુ આગળ પહોંચી શકે છે.
લક્ષદ્વીપ કેરળ તમિલનાડુ પુડુચેરી અને કર્ણાટકમાં છેલ્લાં 24 કલાકમાં અનેક સ્થળોએ વરસાદ પડતા લોકોમાં ખુશીનું મોજું ફેલાયું છે. લક્ષદ્વીપ કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે. અનેક સ્થળોએ 80 એમએમથી 76.69 એમએમ સુધી વરસાદ ખાબકી ગયો છે.