બિપોરજોય વાવાઝોડાને લઈને PM મોદીએ આજે બપોરે મહત્વની બેઠક બોલાવી છે. આજની આ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક
1 વાગ્યે PM મોદીએ મહત્વની બેઠક બોલાવી
બેઠકમાં IMD, NDRFના અધિકારીઓ જોડાશે
ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે 1 વાગ્યે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ગુજરાતના જિલ્લા કલેક્ટરો, IMD અને NDRFના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
PM મોદીએ બોલાવી છે બેઠક
બિપોરજોય વાવાઝોડાને લઈને થોડીવારમાં દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે 1 વાગ્યે ચક્રવાત બિપોરજોય અંગે સમીક્ષા બેઠક યોજશે. જેમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે NDRFના અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થશે.
'માંડવી અને કરાચી વચ્ચે ટકરાઈ શકે છે વાવાઝોડું'
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
નવલખી અને પોરબંદર બંદરે લગાવાયું 10 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 9 નંબરનું સિગ્નલ ચેન્જ કરીને 10 નંબરનું સિગ્નલ મુકવા આદેશ કરાયો છે. નવલખી બંદરને તાત્કાલિક અસરથી ખાલી કરવા અધિકારીઓને અપાઇ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું કચ્છના માંડવી બાજુ અથડાઈ તેવી શક્યતાઓ છે. ભારે પવન અને ભારે વરસાદ મોરબી જિલ્લામાં પડે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 9 નંબરનું સિગ્નલ હટાવી 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.