દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે, આ સંકટમાં દેશનાં શ્રમિક અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને માંગ ઘટી જવાના કારણે પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી એવામાં તીડના તાંડવથી પાયમાલ થઇ જનાર ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવા માટે યોજના પર કામ કરીઓ રહી હોવાના અહેવાલ છે.
ચરણ બદ્ધ રીતે ખેડૂતોનું એક લાખ કરોડનું દેવું માફ કરી શકે છે કેન્દ્ર સરકાર
પહેલા ચરણમાં 25000 કરોડ રૂપિયાની રાહત
લોકડાઉન અને બાદ તીડ આક્રમણથી ખેડૂતો સંકટમાં
ખેડૂતોને મોટી રાહત આપશે મોદી સરકાર
કોરોના સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મોદી સરકાર ટૂંક જ સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર દેશભરમાં ખેડૂતો માટે એક લાખ કરોડ રૂપિયાનું દેવું માફી કરવાની યોજના પર કામ કરી રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ સરકાર ચરણબદ્ધ રીતે આ યોજનાની જાહેરાત કરશે. ખેડૂતોને રાહત આપવા માટે પ્રથમ ચરણમાં 25, 000 કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવી શકે છે.
ખેડૂતોને હાલમાં થઇ રહ્યું છે મોટું નુકસાન
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ખેડૂતોને જોરદાર ફટકો પડ્યો છે. લોકડાઉનનાં કારણે દેશમાં ફળ અને શાકભાજીની માંગમાં પણ ઘટાડો થયો છે. માંગમાં ઘટાડો થવાના કારણે ખેડૂતોને બજારમાં પાકનો ભાવ મળતો નથી. આ સિવાય સિઝનમાં તૈયાર ઘઉં, સરસવ વગેરે વેચી ન શક્યા. લોકડાઉનનાં કારણે ખેડૂતો પર આર્થિક બોઝ પણ વધી ગયો છે. માર્કેટમાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળ્યા નથી. દિલ્હીની બજારમાં ડુંગળી 500 રૂપિયે ક્વિન્ટલ વેચાઈ રહી છે.
તીડના આક્રમણથી પરિસ્થિતિ ગંભીર
કોરોના સંકટ વચ્ચે પાછા તીડનાં કારણે પણ કેટલાય ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાના, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત જેવા રાજ્યોમાં તીડ તાંડવ મચાવી રહ્યા છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. આ તીડ એક ઝાટકામાં જ ખેતરોને સાફ કરી રહ્યા છે. એવામાં જો સરકાર આ રીતે દેવામાફી કરે તો તેમને મોટી રાહત મળી શકે તેમ છે.
નોંધનીય છે કોરોના વાયરસથી મંદ પડેલા અર્થતંત્રને પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખેતી અને તેનાથી જોડાયેલા ક્ષેત્રો માટે પણ જાહેરાત કરવામાં આવી છે.