કોઈપણ વ્યક્તિની પરવાનગી વિના તેના દ્વારા આપવામાં આવેલી માહિતી કોઈ બીજા સાથે લીક કે શેર કરે છે, તો એવી સ્થિતિમાં તે કંપની પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવા માટે મોદી સરકાર આવતા વર્ષે સંસદના બજેટ સત્રમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ (Digital Personal Data Protection Bill) લાવવા જઈ રહી છે. મોદી સરકાર દ્વારા લાવવા જઈ રહેલ આ બિલનો હેતુ ખાનગી ડિજિટલ ડેટાને લીક થવાથી બચાવવાનો છે. બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ કંપની, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અથવા ડિજિટલ પેમેન્ટ એપ કોઈપણ વ્યક્તિની પરવાનગી વિના તેના દ્વારા આપવામાં આવેલી માહિતી કોઈ બીજા સાથે લીક કરે છે અથવા શેર કરે છે, તો એવી સ્થિતિમાં તેના પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે
જણાવી દઈએ કે એ બિલના પ્રાધાન્યમાં વ્યક્તિ સાથે સંબંધિત વ્યક્તિગત માહિતી જેમ કે તમારું નામ, સરનામું, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને આધાર નંબરનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિજિટલ સ્વરૂપમાં વિવિધ હેતુઓ માટે થાય છે. આ વિશે તમને ઉદાહરણ તરીકે સમજાવીએ તો જો તમે Paytm જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કોઈપણ માહિતી ઓનલાઈન આપી હોય, તો Paytm તમારી પરવાનગી વીના એ માહિતીને અન્ય કોઈપણ પ્લેટફોર્મ સાથે શેર કરી શકશે નહીં અને જો Paytm તમારી પરવાનગી વિના એ માહિતી બીજા સાથે શેર કરે છે તો તેના પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકાશે
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય છે, તો તે વ્યક્તિ ઈ-મેલ દ્વારા ડેટા સુરક્ષા બોર્ડને તેની ફરિયાદ કરી શકે છે અને આ બોર્ડની રચના કરવા માટે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ફરિયાદ મળ્યા પછી બોર્ડ તમારી ફરિયાદની તપાસ કરશે અને જો તમારી ફરિયાદ સાચી જણાય તો કંપની પર દંડ લાદવામાં આવી શકે છે.
કોઈપણ કંપનીને જોગવાઈમાંથી છૂટ નથી- રાજીવ ચંદ્રશેખર
આ સાથે જ બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દંડની જોગવાઈ માત્ર ખાનગી કંપનીઓ પર જ નહીં પરંતુ સરકારી કંપનીઓ અને સંસ્થાઓ પર પણ લાગુ થશે. માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, 'કોઈપણ કંપની કે સંસ્થાને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી નથી પછી તે ખાનગી હોય કે સરકારી. જો કે આંકડાઓ અનુસાર વ્યક્તિગત ડેટા અથવા વ્યક્તિગત માહિતી લીક થવાની વધુ પડતી ફરિયાદો ખાનગી કંપનીઓમાટે આવે છે.
આ સાથે જ રાજીવ ચંદ્રશેખરે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે બિલ સંસદ દ્વારા પસાર થયા પછી કાયદાનું સ્વરૂપ લેશે એ પછી આવી કંપનીઓ પર જવાબદારી વધી જશે કે તેઓ સામાન્ય નાગરિકોની માહિતી સંબંધિત ડેટાને સુરક્ષિત કરે અને તેને લીક કે શેર કરતા પહેલા વિચારશે.