Missing case of woman constable of Dabhoi police station
લવજેહાદની શંકા /
વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ રફુ'ચક્કર', મેસેજ કર્યો હું વિદેશ જઉં છું, કોલ્હાપુરથી બંને ઝડપાયા
Team VTV01:46 PM, 20 Jan 23
| Updated: 01:48 PM, 20 Jan 23
છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુમ થયેલા ડભોઈ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહિલા કોન્સ્ટેબલ પોતાના વિધર્મી પ્રેમી સાથે મહારાષ્ટ્રના કલ્હાપુરથી મળી આવ્યા છે. પરિવારનું કહેવું છે કે, 'લવ-જેહાદ હેઠળ આ કાવતરું કરાયું છે.'
ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી વિધર્મી પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી મળી આવ્યા છે. વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે, મહિલા કોન્સ્ટેબલ ભેદી સંજોગામાં ગુમ થયા બાદ પરિવારજનોએ જાણવા જોગ અરજી કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રમાંથી મળી આવેલ છે મહિલા કર્મચારીઃ આકાશ પટેલ
આ મામલે DYSP આકાશ પટેલે જણાવ્યું છે કે, ડભોઈ પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી મણીબેન ચૌધરી કે જેઓ રજા લઈને ગયેલા, પરંતુ વતનમાં ન પહોંચતા તેમના પરિવારજનોએ જાણવા જોગ દાખલ કરાવતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ કરતા તેઓ મહારાષ્ટ્રમાંથી મળી આવેલ છે. તેઓને ડભોઈ લાવવામાં આવી રહ્યા છે, મહિલા કોસ્ટેબલની પૂછપરછ બાદ આગળની તપાસ કરવામાં આવશે.
આકાશ પટેલ (DYSP, ડભોઈ)
પિતાએ લવજેહાદની વ્યક્ત કરી શંકા
મહિલા કોન્સ્ટેબલના પિતા ઇશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ‘મારી પુત્રીના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. તે પતિ અને પરિવાર સાથે હળીમળીને રહેતી હતી. તેના પર કોઈ જાદુટોના કરી તેનું અપહરણ કરાયું છે. લવ-જેહાદ હેઠળ આ કાવતરું કરાયું છે.'
શું છે સમગ્ર મામલો?
છેલ્લા બે વર્ષથી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી ગત 16મી જાન્યુઆરીએ 8 દિવસની રજા મૂકીને પોલીસે સ્ટેશનેથી નીકળ્યા હતા. જે બાદ તેમણે બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી મોટી બહેનને મેસેજ કરીને કહ્યું હતું કે, 'હું મારી મરજીથી વિદેશ જઉં છું'. જોકે, બાદમાં મણીબેનનો ફોન બંધ આવી રહ્યો હોવાથી તેમની મોટી બહેને ડભોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ડભોઈ પોલીસ સ્ટેશન
પરિવારે કરી હતી જાણવાજોગ અરજી
જે બાદ પરિવારજનોએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી હતી. આ અરજીના આધારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન મોટા હબીપુરાનો સદામ ગરાસિયા નામનો યુવક પણ ગુમ હોવાથી બંને સાથે ગયા છે કે કેમ? એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરથી જ મળી આવ્યા
પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને મહિલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંને પાસે કોઈપણ પ્રકારનો પાસપોર્ટ નથી, આવી સ્થિતિમાં તેમના વિદેશ જવાની શક્યતા નહીંવત છે. ઉપરાંત બંને છેલ્લા 6 મહિનાથી એક બીજાના પરિચયમાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસને મોબાઈલ સર્વેન્સના આધારે સફળતા મળી હતી. પોલીસને બંને મુંબઈ પાસે હોવાની માહિતી મળી હતી અને બંને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી જ મળી આવ્યા હતા.