Minister of State for Home Harsh Sanghvi's big appeal regarding corona guideline to people
સૂચન /
'નેતાઓની ટીકા કરો પણ આવી ભૂલ ન કરો' : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કોરોના ગાઇડલાઇન અંગે મોટી અપીલ
Team VTV09:37 PM, 10 Jan 22
| Updated: 10:28 PM, 10 Jan 22
હર્ષ સંઘવીએ કહ્યું નેતાઓના ભૂલનું ઉદાહરણ આપી જનતાએ પોતાનો જીવ જોખમમાં ના મુકવો જોઇએ
ગાંધીનગરમાં હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક
"રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે"
"દરેક પક્ષના નેતા SOPનું પાલન કરવા બંધાયેલા"
ગાંધીનગરમાં વધતા કોરોના સંક્રમણને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મનપા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.હર્ષ સંઘવીએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને લઇને વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. તથા રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓને જિલ્લામાં વ્યવસ્થા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
દરેક પક્ષના નેતા SOPનું પાલન કરવા બંધાયેલા: હર્ષ સંઘવી
રાજકીય નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવતા SOPના ભંગ મુદ્દે પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે દરેક પક્ષના નેતા SOPનું પાલન કરવા બંધાયેલા છે.નેતાઓના ભૂલનું ઉદાહરણ આપી જનતાએ પોતાનો જીવ જોખમમાં ના મુકવો જોઇએ.નેતાઓ પર ટીકા કરી શકાય પણ આપણે ભૂલ ન કરવી જોઇએ તેવી સલાહ ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી.
આજે રાજ્યમાં 6097 કોરોના કેસ
રાજ્યમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા છે. જયારે એર હજાર 539 દર્દીઓ સાજા થયા છે. અને 2 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં એક હજાર 923 કોરોના કેસ, સુરતમાં એક હજાર 892 કેસ, વડોદરામાં 470, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
ગઈ કાલે ભાજપના નેતાઓએ તોડયા હતા કોરોના નિયમો
સરકાર કોરોનાને નાથવા માટે રણનીતિ બનાવે છે પરંતુ પક્ષના જ કાર્યકરો નિયમોની અનદેખી કરતા નજરે ચઢે છે.અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ રદ કરવામાં આવ્યો હતો પણ આયોજન એળે ન જાય એ માટે ત્યાં હાજર નેતાઓએ પ્રશિક્ષણ વર્ગમાં `દમ મારો દમ' ગીત ઉપર ડાન્સ કરી કોરોનાના નિયમોનો પાઠ ભૂલી ગયા હતા. શહેર ભાજપ મહામંત્રી સહિતના નેતાઓ ઠુમકા મારતા જોવા મળ્યા હતા તેમાં મહિલા નેતાઓએ સમર્થન કર્યું હતુ. ગીતના ઉન્માદમાં કોરોના નિયમો નેવે મૂકી માસ્ક પહેર્યા વગર નાચી રહેલો આ વીડીયો આંગળી ચીંધી રહ્યો છે કે આ ભૂલ કોઈ સામાન્ય નાગરિકોએ કરી હોત તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નિયમોનું ભાન કરાવ્યું હોત. પણ અહી તો ભાજપના કાર્યકરો નિયમોને ખિસ્સામાં રાખી એકબીજાની તાળીઓ લઈ રહ્યા હતા પણ સંગઠન દ્વારા ખાલી ઠપકો આપી તમામ કર્યાધર્યા પર પાણી ફેરવી દીધું છે.
વેરાવળમાં મેરેથોન દોડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને એકઠા થયા હતા
કોરોનાના વધતા કેસ વચ્ચે વેરાવળમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. વેરાવળમાં મેરેથોન દોડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને એકઠા કરાયા. મેરેથોનમાં હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ પણ હાજર હતા.