ગ્રીષ્માના હત્યારા ફેનિલને કોર્ટે આપી છે ફાંસીની સજા
ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગ્રીષ્માને યાદમાં પરિવારે રામધૂનનું આયોજન કર્યુ છે. ભાજપના નેતાઓ સહિત ગૃહ રાજ્યમંત્રીએ પરિવાર સાથે મુલાકાત કરી છે. ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા સહિત મોટી સંખ્યામાં સ્વજનો અને આસપાસના લોકો પણ ધૂનમાં જોડાયા હતા.
હર્ષ સંઘવી ભાવુક થયા
ગ્રીષ્માના પરિવારને ઘટનાના માત્ર 81 દિવસમાં ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા છે.ગ્રીષ્માનો પરિવાર હર્ષ સંઘવીને જોતા જ ડૂસકે ને ડૂસકે રડી પડ્યો હતો. હર્ષ સંઘવી પણ થોડી ક્ષણો માટે ભાવુક થઈ ગયા હતા. ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. હર્ષ સંઘવીએ પરિવારને દિલાસો આપ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 6, 2022
ગ્રીષ્માના પરિવારની મુલાકાત વખતે જુઓ હર્ષ સંઘવીએ શું કહ્યું?
હર્ષ સંઘવીએ પરિવારની દિલાસો આપતા કહ્યું કે ગ્રીષ્મા સાથે જે કઈ બન્યું તેનું દૂખ છે પણ તે બાદ પરિવારને ન્યાય અપાવા અને હત્યારાને કડક સજા કરવા પોલીસે દિવસ રાત એક કર્યા છે. 5 દિવસમાં 2500 પાનાની ચાર્જસીટ દાખલ કરી હતી. વકીલોએ કઈ કાચું ન કાપતા તેમણે પણ આ કેસમાં ખૂબ જ મહેનત કરી ન્યાય અપાવવામાં મદદ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતમાં નવો ઈતિહાસ રચાયો છે. હત્યા કેસમાં પરિવારને સૌથી ઝડપી ન્યાય મળ્યો છે. કોર્ટના આ ચુકાદાથી આવી માનસિકતા ધરાવતા આરોપીઓ ફફડશે, તેમનામાં ડર બેસસે.
ગ્રીષ્માનો હત્યારો ફેનિલ બન્યો 2231 નંબરનો કેદી
ગઈ કાલે જ ગ્રીષ્મા હત્યારા ફેનિલને કોર્ટે રેરેસ્ટ ઓફથી રેર કિસ્સો ગણી ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આરોપી ફેનિલને કેદી નંબર ફાળવી દેવામાં છે. 2231 નંબરનો કેદી બન્યો છે.હાલ ફેનિલ તબીબી નિરીક્ષણ હેઠળ છે. પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા કાલે પૂર્ણ કરાશે. ફેનિલને ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે
આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથી, હાઈકોર્ટમાં અપીલ કરીશું: ફેનિલના વકીલ
ગુરુવારના રોજ ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો છે. ત્યારે આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે કોર્ટના આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથી.અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં અમે કરેલી કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત કહેતા કહ્યું હતું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164મા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અમે આ કેસના ચુકાદાને હવે હાઈકોર્ટમાં પડકારીશું.
ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂર્ણ થતાં સંતોષ અનુભવું છું.- હર્ષ સંઘવી
ચુકાદો આવતાની સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધન કર્યું હતું.જ્યાં તેઓએ પ્રથમ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને કહ્યું હતું કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનું છું. કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત એક એક કલાકનું અપડેટ લેતા હતા
સમગ્ર કેસમાં પોલીસ તપાસની વિગતવાર માહિતી રેન્જ IG રાજકુમાર પાંડિયન દ્વારા માહિતી આપવામાં આવી હતી. 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 15 ફેબ્રુઆરીના રોજ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કેસમાં ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન કર્યું હતું. સીટની રચના પણ કરવામાં આવી હતી. પોલીસે DNA, ફિંગરપ્રિન્ટ, વોઇસ સ્પેક્ટોગ્રાફી અને મોબાઇલ વીડિયોની તપાસ કરાવી હતી. ગુન્હાની શરૂઆતથી પોલીસે સતત કામગીરી કરી આજે આરોપીને ફાંસીની સજા સુધી પહોંચાડ્યો હતો.
કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકારી
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા 105 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 105 સાક્ષીઓની જુબાની સાથે આરોપી દ્વારા સરાજાહેર હત્યા કરતા પહેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદમાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો હતો. આ કેસમાં કોર્ટે કેટલીક મહત્વની વસ્તુઓ ટાંકી હોવાથી ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા પણ આ કેસમાં રોજીંદી ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આશરે 500 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.