Minister Kunwarji Bawaliya accused by Koli Samaj's Ajit Patel
વિવાદ /
કુંવરજીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રાખી, કોળી સમાજના આ મોટા ગજાના નેતાએ કર્યા તીખા પ્રહાર
Team VTV01:15 PM, 02 Aug 21
| Updated: 05:47 PM, 02 Aug 21
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલ, કુંવરજી બાવળિયા પર ભડક્યા, મંત્રી પદની લાલચે ભાજપમાં ગયા સમાજ માટે કશું કર્યું નથી
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલનું નિવેદન
અજીત પટેલે કુંવરજી બાવળિયા પર કર્યા આક્ષેપ
કુંવરજીએ સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું"
કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મંત્રી પદે બેઠેલા કુંવરજી બાવળિયાએ 1 ઓગસ્ટના રોજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ કોળી સમાજના મોટા આગેવાનો માંથી એક સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે કુંવરજી બાવળિયા પર આરોપોની ઝડી વરસાવી છે.
મંત્રી પદની લાલચે બાવળિયા ભાજપ જોડાયા: અજીત પટેલ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ કુંવરજી પર તેમના જ સમાજના આગેવાન અજીત પટેલે મોટા આરોપ લગાવ્યા છે. અજીત પટેલે કુંવરજીના ભાજપમાં ભળવાને લઈને સમાજમાં કરેલા કામ સુધી આડે હાથ લીધા છે. અજીત પટેલે આરોપ લગાવ્યા કે ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળિયા જોડાયા છે "કુંવરજી બાવળિયાએ સમાજ માટે કશુ કામ કર્યું નથી""બીજા રાજ્યમાં પણ તેમને લઇને હોબાળો થયો હતો", "પોતાની ખુરશી બચાવવા તેમણે પુરા પ્રયાસ કર્યા.
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રાખી: અજીત પટેલ
રાજનૈતિક આરોપથી ન અટકતા અજીત પટેલે, "સમાજમાં ફુટ પડાવવાનું પણ કામ કુંવરજી બાવળિયાએ કર્યું હોવાનો મોટો દાવો કર્યો, સાથે સમાજના ઘણા સારા આગેવાનોને સાઈડલાઇન કરી સમાજમાં ભાગલા પાડો અને રાજ કરો તેવા ખોટા નિર્ણય કુંવરજી દ્વારા સમાજ માટે લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદનો તેમનો કાર્યકાળ 1 વર્ષ પહેલા જ પૂરો થયા બાદ પણ મીટિંગો કરી હોવાનો આરોપ અજીત પટેલે કર્યો છે.
કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું: કુંવરજી
ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2017માં બાવળિયા સમગ્ર ભારતના કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. 3 વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020મા કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું. અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કરાશે.