ખનીજ માફિયા /
ધુળની ડમરી, ધોળા થયા ઘર, રસ્તા, મકાન, ખેતર બધે જ માટીના થર, આ શું થઈ રહ્યું છે ખેડા અને સુરેન્દ્રનગરમાં
Team VTV11:58 PM, 08 Feb 23
| Updated: 10:17 AM, 09 Feb 23
ખનીજ માફિયાઓ બેફામ ખનીજચોરી કરી રહ્યા છે, જેના કારણે નદીઓ બરબાદ થઈ રહી છે, હવાપ્રદૂષિત થઈ રહી છે અને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે અને તગડી કમાણી ખનીજ માફિયા કરી રહ્યા છે
પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ
ખાણમાં ચાલતા કામને લઈ સુરેન્દ્રનગરમાં લોકો પરેશાન
ખનીજ માફીયાઓ સામે કેમ બધા જ લાચાર બની જાય છે?
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓના આતંકથી લોકો પરેશાન છે. ધોળા દિવસે અહીં બેખોફ ખોદકામ ચાલી રહ્યું છે. નદીના પટ પર ક્રશિંગ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. ખનીજ માફિયાઓએ મહીસાગર નદીની બાજુમાં જ નદીથી પણ ઉંડો ખાડો બનાવી દીધો છે. અહીંથી કાળા પથ્થર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રકમાં ભરીને તેને લઈ જવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાડા પુરતી કામગીરી કરે છે. નક્કર પગલા લેતી નથી.
પંચમહાલ
ખેતીના પાક પર, ઝાડ પર બધેજ સફેદ માટીના થર જામેલા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સફેદ ધુળની એટલી મોટી ડમરી ઉડી રહી છે કે કંઈ જોઈ ન શકાય. ખેતરોમાં સફેદ માટીના થર પથરાયેલા છે. ઘરના ફળીયામાં પણ સફેદ માટીના થર જામી ગયા છે. ખેતીના પાક પર, ઝાડ પર બધેજ સફેદ માટીના થર જામેલા છે.
સાયલા નજીક આવેલા મઢાદ ગામમાં આ સ્થિતી છે. આસપાસની ખાણમાં ચાલતા કામ અને બ્લાસ્ટિંગના કારણે આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જેને લઈ પ્રદુષણ નિયંત્રણ કચેરીએ ખેડુતોએ આવેદન પત્ર પણ પાઠવ્યું છે.
સુરેન્દ્રનગર
શું રાજનેતાઓ ખનીજ માફિયાને છાવરી રહ્યા છે?
ગુજરાતમાં ઠેર ઠેર આ સ્થિતી છે. બેફામ ખનીજ ચોરીના કારણે જમીન ધસવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી છતાં માફિયાઓ સક્રિય કેમ છે? કેમ આ ખનીજ માફિયાઓને કાયદાનો ડર નથી ? ખાણ ખનીજ વિભાગ હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખનીજ માફીયાઓ સામે કેમ બધા જ લાચાર બની જાય છે? કોની રહેમ નજર હેઠળ આ ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે? શું રાજનેતાઓ ખનીજ માફિયાને છાવરી રહ્યા છે? તંત્ર કેમ ખનીજ માફિયાઓ સામે પગલા લેવાથી ડરે છે..?