ભાવનગર મહા નગરપાલિકાને સ્વચ્છતા માટે મળેલી લાખો રૂપિયાની કિમતની ઈ-રિક્ષા ભંગાર જેવી સ્થિતિમાં. અણઘડ વહીવટનું ઉત્તમ ઉદાહરણ. મેન્ટેનન્સના બહાને તમામ ઈ-રીક્ષાઓને ખુણામાં નાખી.
મનપાએ 2018માં ખરીદી હતી 13 ઈ-રીક્ષા
6 મહિનામાં ઈ-રીક્ષાના પૈસા થંભી ગયા
9 લાખના ખર્ચે દાતાઓએ આપી હતી ભેટ
વિકાસ માટે સરકાર તો પોતાની જવાબદારી નિભાવતી જ હોય છે. પરંતુ ક્યાંક સ્થાનિક નેતાઓ અને તંત્રના કારણે વિકાસ રુંધાતો હોય છે..આવું જ કાંઈક ભાવનગર મહાનગરપાલિકામા થઈ રહ્યું છે.. શહેરને સ્વચ્છ રાખવા માટે દાતાઓ અને સામાજીક સંસ્થાઓએ લાખો રૂપિયાના ખર્ચે ઈ-રીક્ષા તો આપી હતી. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ઈ-રીક્ષાઓ માત્ર ભંગાર બની ગઈ છે.
ભાવનગર શહેરમાં શેરી એ-શેરીએ ઈ-રીક્ષા ફરશે. સ્વચ્છતાની દુનિયામાં ભાવનગરનું નામ બોલાશે. લોકો ગંદકી નહીં ફેલાવે. અને ગંદકી ફેલાવનારને છોડવામાં નહીં આવે..આવા સુંદર વિચારો સાથે કેટલાક દાતાઓ અને સંસ્થાઓએ સાથે મળીને ભાવનગર મહાનગર પાલિકાને લાખોના ખર્ચે 2018મા ઈ-રીક્ષા ભેટમાં આપી હતી, શરૂઆતમાં 6 મહિના લીલીઝંડી સાથે શહેરમાં ઈ-રીક્ષા ફરી પણ ખરી..પરંતુ ત્યાર બાદ જાણે તેના પૈડા થંભી જ ગયા. અને આજે તે લાખોના ખર્ચે ભેટમાં મળેલી ઈ-રીક્ષાઓ કાટ ખાઈ રહી છે..
અમદાવાદ શહેરની જેમ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે ઈ-રીક્ષા ચાલુ તો કરી દીધી હતી. પરંતુ પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે સ્ટાફની ફાળવણીને લઈને વારંવાર અભાવ જોવા મળ્યો.. પોલીસ અને સોલીડ વેસ્ટ દ્વારા સ્ટાફ ન ફાળવાત મહાનગરપાલિકાએ ઈ-રીક્ષાઓને સ્વચ્છતાની જાહેરાતનું માધ્યમ બનાવી દીધી.. પરંતુ જેને કામ કરવામાં રસ જ ન હોય તે બહાના તો અનેક બનાવવાના. અહીં પણ આવું જ સાંભળવા મળ્યું. મહાનગરપાલિકાએ બેટરી અને મેન્ટેનન્સના બહાના કાઢી તમામ ઈ-રીક્ષાઓને એક ખુણામાં મુકી દીધી. આજે હાલત એવી છે કે, આ તમામ ઈ-રીક્ષા કાટમાળમાં પડી છે.છતાં બહાના તો સત્તાધીશો પાસે્ આજે પણ એજ સાંભળવા મળે છે..
સવાલ અહીં એ થાય છે કે, મહાનગરપાલિકાથી ઈ-રીક્ષા ચલાવાતી ન હોય તો શા માટે પૈસાનું પાણી કર્યું? શું પ્રજાના પૈસાના સાધનો આ રીતે કાટ ખવડાવવા માટે ખરીદો છો? શું આ રીતે ભાવનગર સ્વચ્છ શહેર બનશે? શું આવી રીતે મહાનગરપાલિકાઓ શહેરોને સ્વચ્છ બનાવી રહી છે? જો મહાનગરપાલિકાને આ ઈ-રીક્ષાઓ ચલાવવામાં રસ ન હોય તો કોઈ ગરીબને ચલાવવા આપી દો.પરંતુ આ રીતે કાટ શા માટે ખવડાવો છો. આશા રાખીએ કે, આગામી આ ઈ-રીક્ષાઓ ફરી શરૂ થશે અને પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ નહીં થાય.