હમદાનિયા જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન લાગી ભીષણ આગ
આગમાં દાઝી જતા 100 લોકોના મોત અને 150 ઘાયલ
હજુ પણ વધી શકે છે મૃત્યુઆંકઃ સ્થાનિક મીડિયા
નિનેવેહ: ઇરાકના નીનવેવેહ પ્રાંતના અલ-હમદાનિયા જિલ્લામાં મંગળવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાતા ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુ થયા છે અને 150થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલ-હમદાનિયા જિલ્લામાં ગઈકાલે લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભયંકર હતી કે તેની ઝપેટમાં અનેક લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 100 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 150થી વધુ લોકો દાઝી ગયા છે.
હજુ વધી શકે છે મૃત્યુઆંક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફટાકડા ફોડ્યા બાદ મેરેજ હોલમાં આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીડિયાએ સ્થાનિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મૃતકોમાં વર કન્યા પણ સામેલ છે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.
જાણ થતાં જ દોડી આવી હતી રેસ્ક્યૂ ટીમ
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં આગ સ્થાનિક સમય અનુસાર લગભગ 10:45 વાગ્યે લાગી હતી. તે સમયે 1000થી વધુ લોકો અહીં હાજર હતા. આગ લાગી હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. તો રેસ્ક્યૂ ટીમ પણ અહીં તાત્કાલિક દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
رئيس مجلس الوزراء @mohamedshia يوجه وزيري الداخلية والصحة باستنفار كل الجهود لإغاثة المتضررين جراء حادث الحريق بقضاء الحمدانية في سهل نينوى. pic.twitter.com/YMTCMSdC10
વડાપ્રધાન અલ સુદાનીએ આપ્યા તપાસના આદેશ
ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાનીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ અધિકારીઓને લોકોને મદદ પહોંચાડવા સૂચના આપી છે. સાથે જ તેઓએ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.