કેન્દ્ર સરકારે FCRAના નિયમમાં ફેરફાર કરતા હવે ભારતીયો વિદેશમાં રહેતા તેમના સગાઓ પાસેથી 10 લાખ રુપિયા મેળવી શકશે. પહેલા આ મર્યાદા 1 લાખ રુપિયાની હતી.
કેન્દ્ર સરકારે FCRAના નિયમમાં ફેરફાર કર્યો
ભારતીયો હવે વિદેશમાં રહેતા તેમના સગાઓ પાસેથી 10 લાખ રુપિયા લઈ શકશે
પહેલા 1 લાખ રુપિયા લઈ શકાતા હતા
10 લાખ લેવા માટે સરકારની મંજૂરી પણ લેવી નહીં પડે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં સુધારો કરીને ભારતીયોને વિદેશમાં રહેતા તેમના સંબંધીઓ પાસેથી વર્ષે 10 લાખ રૂપિયા સુધીની રકમ મેળવવાની મંજૂરી આપી છે અને તેમણે આ કામ માટે અધિકારીની મંજૂરીની જરુર નહીં પડે. પહેલા આ મર્યાદા એક લાખ રૂપિયા હતી.
10 લાખથી વધુ રકમ માટે સરકારને જાણ કરવી પડશે
મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે જો રકમ (10 લાખ રૂપિયાથી વધુ) વધારે છે તો લોકોને હવે પહેલાના 30 દિવસના બદલે સરકારને જાણ કરવા માટે 90 દિવસનો સમય મળશે. નવા નિયમો, વિદેશી યોગદાન (નિયમન) સુધારા નિયમો, 2022ના નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે ફોરેન કોન્ટ્રિબ્યૂશન (રેગ્યુલેશન) રૂલ્સ, 2011ના નિયમ 6માં - '10 લાખ રૂપિયા' શબ્દોને બદલે 'એક લાખ રૂપિયા'; અને '30 દિવસ' માટેના શબ્દોની જગ્યાએ 'ત્રણ મહિના' શબ્દો મૂકવામાં આવશે.
પહેલા એક લાખ રુપિયા મેળવી શકાતા હતા
નિયમ 6 માં સંબંધીઓ પાસેથી વિદેશી દાન પ્રાપ્ત કરવાની વાત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ જો કોઈ વ્યક્તિને નાણાકીય વર્ષમાં કોઈ સંબંધી પાસેથી દાન તરીકે એક લાખ રૂપિયાથી વધુ અથવા સમાન રકમ મળતી હોય તો તેણે આવી રકમ મળ્યાના 30 દિવસની અંદર કેન્દ્ર સરકારને જાણ કરવી પડતી હતી. તેવી જ રીતે, નિયમ 9 માં સુધારો કરવામાં આવ્યો છે, જે વિદેશી દાન મેળવવા માટે એફસીઆરએ હેઠળ નોંધણી અને પૂર્વ મંજૂરી મેળવવા માટેની અરજી સાથે સંબંધિત છે.
માહિતી આપવા માટે 45 દિવસનો સમય
સુધારેલા નિયમો દ્વારા વ્યક્તિઓ અને સંગઠનો અથવા બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ને આવા ભંડોળના ઉપયોગ માટે ગૃહ મંત્રાલયને 45 દિવસમાં માહિતી આપવાની રહેશે. પહેલા આ સમય મર્યાદા 30 દિવસની હતી. હવે, એફસીઆરએ હેઠળ વિદેશી દાન પ્રાપ્ત થવા પર, નાણાકીય વર્ષના અંતના નવ મહિનાની અંદર, 1 એપ્રિલથી શરૂ થતા દરેક નાણાકીય વર્ષના પ્રથમ દિવસે, તેની વેબસાઇટ પર અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ વેબસાઇટ પર એકાઉન્ટની વિગતો આપવાની હાલની પ્રક્રિયાને અનુસરવી પડશે.