Meteorological department forecast of cold and unseasonal rain in Gujarat
એલર્ટ /
ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભારે! 40થી 50 કિ.મીની ઝડપ, ભારે પવન સાથે વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગ
Team VTV08:59 AM, 28 Jan 23
| Updated: 08:59 AM, 28 Jan 23
ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ઠંડી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે નલિયામાં 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
પ્રતિકાત્મક તસવીર
અહીં પડી શકે છે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. સાથે પવનોની ગતિ ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
પ્રતિકાત્મક તસવીર
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
હવામાન વિભાગે વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરી છે, તેમજ આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
પ્રતિકાત્મક તસવીર
આ વિસ્તારોમાં પડી શકે છે ભારે ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડી શકે છે.