સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે સારો વરસાદ, 23-24 જુલાઇથી અતિભારેની આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર વધશે
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
22 જુલાઈથી વરસાદનું જોર વધશે
ગુજરાતમાં આજ શુક્રવારથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ જામશે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદના વરતારા છે. 6 જિલ્લાને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આજે ક્યાં પડી શકે વરસાદ?
કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર
રાજકોટ,જામનગર,અમદાવાદ
બોટાદ,દ્વારકા,પાટણ
મહેસાણા,અરવલ્લી,ખેડા
ગાંધીનગર,સાબરકાંઠા,પોરબંદર
રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર : રાજેન્દ્ર ત્રિવેદી
રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.'વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે.
સિઝનનો 58.32 ટકા વરસાદ ખાબક્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.
ભારે વરસાદની આગાહીના પગલે 23 અને 24 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 459 mm વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ છે.