પરિપત્ર /
ગુજરાત સરકારનો અજીબ નિર્ણયઃ હવે શાળાઓમાં જાદુનો ખેલ બતાવવા પર પ્રતિબંધ
Team VTV11:16 AM, 26 Aug 19
| Updated: 11:38 AM, 26 Aug 19
શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સરકારી અને ખાનગી શાળાઓને જાદુનો ખેલ નહીં બતાવવા નિર્દેશ આપવામાં આવ્યાં છે.
અમરેલીમાં રહેતા જાદુગરની ફરિયાદ પર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જાદુના ખેલ બતાવવાની આડમાં બાળકો પાસેથી અને શાળાઓ પાસેથી પૈસા ઉઘરાવી લેવામાં આવતા હોય છે અને જે-તે શિક્ષકો પોતાના ખિસ્સા ભરે છે. આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાનમાં લઇને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં રહેતા જાદુગરે રાજ્યના શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુનો ખેલ બતાવવામાં આવે છે. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જાદુના ખેલ બતાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે છે.
જો કે આ પૈસાને સારા કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે તેવું જણાવી જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે તેવો આરોપ લગાવામાં આવ્યો હતો. જ્યારે આ પત્રમાં શાળાઓમાં ફરતા નકલી જાદુગરો પ્રખ્યાત જાદુગરોના નામનો દુરૂપયોગ કરતાં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી ખેલ બતાવતા હોય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખોટી વિગતોના આધારે મંજૂરી લઇને વિદ્યાર્થીઓને જાદુના સ્થળ સુધી જીવના જોખમે લઇ જઇ જાદુ બતાવવામાં આવે છે.
જ્યારે જાદુના સ્થળ પર સુરક્ષાને લઇને કોઇ સુવિધા પણ જોવા મળતી હોતી નથી. જેને લઇને વિદ્યાર્થીઓના જીવનું જોખમ પણ જોવા મળે છે.