Meeting at the CM residence on the issue of police grade pay movement
BIG NEWS /
ગ્રેડ-પે: હર્ષ સંઘવીની CM સાથે તાબડતોબ બેઠક, સાંજે કરી શકે છે મોટી જાહેરાત, પોલીસ પરિવારની મહિલાઓએ કહ્યું- 'હકારાત્મક જવાબ મળ્યો'
Team VTV04:31 PM, 28 Oct 21
| Updated: 04:36 PM, 28 Oct 21
ગૃહરાજ્યમંત્રી સાથે બેઠક બાદ પોલીસ પરિવારોનું નિવેદન કહ્યું કમિટી ગઠન કરી 2 મહિનામાં માંગનો સ્વીકાર થશે. અમે ઘરે જઈએ છીએ
પોલીસ ગ્રેડ પે આંદોલનના મામલે બેઠકનો દોર શરૂ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને
સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના
રાજ્ય સરકાર પોલીસના પ્રશ્નોને લઇને એકશનમાં આવી ગઈ છે. પોલીસ કર્મી તેમજ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારો સાથે બેઠક કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને પહોંચ્યા છે. રાજ્ય પોલીસવડા પણ CM નિવાસસ્થાને પહોંચ્યા છે ત્યારે પોલીસના પ્રશ્નોને લઇ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આ કમિટી પોલીસકર્મીઑની વિવિધ માંગોને લઈ અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ જાહેરાત કરશે તેવી માહિતી મળી રહી છે. જો કમિટીના સભ્યોની વાત કરીએ તો પોલીસના ઉચ્ચ અધિકારીનો કમિટીમાં સમાવેશ કરાઈ શકે છે સાથે જ નિવૃત્ત પોલીસ ઉચ્ચ અધિકારીનો પણ કમિટીમાં સમાવેશની શક્યતા છે.
મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ગાંધીનગરમાં પોલીસકર્મીના આંદોલનનો મામલે આજે આંદોલન કરતા પોલીસ પરિવારો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે. જે બાદ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે આ અમારા પરિવારનો વિષય છે જેથી અમે મળીને સારી રીતે નિવારણ લાવીશું. સરકાર આ મામલે સકારાત્મક છે. યોગ્ય પાસાઓ પર વિચારણા ચાલી રહી છે.
પોલીસ પરિવારની મહિલાઓએ મહત્વનું નિવેદન
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મામલે આંદોલન ચાલી રહ્યું છે. આ મામલે સરકાર પણ એક્શનમાં છે ત્યારે આજે ગાંધીનગરમાં વિધાનસભા ગેટ નં-6 પર પોલીસપરિવારની મહિલાઓ એકઠી થઇ હતી. ત્યારબાદ પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પોલીસ પરિવારની મહિલાઓએ મહત્વનું નિવેદન આપ્યું છે.
પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે આપણી માંગ મામલે સકારાત્મક જવાબ આપ્યો છે. રાજ્ય સરકાર કમિટીની રચના કરશે અને સાંજે જવાબ આપશે. હાલ તમામ બહેનોએ ઘરે જવું જોઇએ.
ગઈકાલે આંદોલન મોકૂફ રખાયાની વાત વહેતી થઈ હતી
ગુજરાત સરકાર માટે મોટા પડકાર સમાન પોલીસ આંદોલનનું સમાપન થયાની જાણ ખુદ એક પોલીસ કર્મચારીએ કરતાં આંદોલનમાં બે ફાંટા જોવા મળ્યા છે. આંદોલનકારીઓએ 15 મુદ્દા અંગે DGPને રજૂઆત કરી હતી. DGPએ મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ સાથે બાંહેધરી આપી છે. જે બાદ પોલીસ ગ્રેડ પે આંદોલનને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. હું જેમ મારા પરિવારને મળુ છું, એમ એમને પણ મળવાનો છું. અને આજે મળ્યા પણ હતા. આ સાથે જ આંદોલનકારીઓ ગૃહમંત્રીને મળી સમગ્ર વિગતોની રજૂઆત કરી હતી અને સરકારને ઝડપથી ગ્રેડ પે સહિત અન્ય 15 મુદ્દાઓ માટે નિર્ણય લેવા આંદોલનની રાહે નહીં પણ વાતચીતની રાહે હવે આગળ વધશે તેવા વરતારા હાલ દેખાઈ રહ્યા છે. આ સમયે પોલીસકર્મી ચિરાગ ચૌધરીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ચાલતા પોલીસ ગ્રેડ પે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યુ છે. DGPએ મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ સાથે બાંહેધરી આપી છે. જ્યારે હકીકતમાં અન્ય પોલીસ કર્મચારીઑ અને પરિવારજનો પોતાની માંગ પર અડગ છે
સરકારનું આંદોલન પ્રત્યે હકારાત્મક વલણ
આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના આગેવાનો સાથે સાથે ચર્ચા કરી છે. અને રાજ્ય સરકાર જે નિયમ હશે અને કરવા જેવું હશે તે ચોક્કસ સરકાર કરશે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે તેવી કર્મચારીઓને અપીલ કરું છું. રાજ્યની જનતાને કોઈપણ આંદોલનથી તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય. આપને જણાવી દઈએ કે, પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું જે બાદ DGP સાથેની બેઠક બાદ આંદોલન હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી વાત વહેતી થઈ હતી પણ જો પોલીસ આંદોલન પર બેઠેલા પોલીસ કર્મચારીઑના પરિવારનું માનીએ તો આંદોલન માંગ ન પૂરી થાય ત્યાં સૂધી યથાવત રહેશે.