મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટપાર્ક શરૂ કરાયા હતા, જેમાં તંત્રએ કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન ફાળવીને તેની આવકમાં ભાગીદારી કરી હતી એટલે ગત રવિવારે રાઇડ તૂટી પડવાની દુર્ઘટનામાં તંત્ર પણ આડકતરી રીતે જવાબદાર હોઇ આ બાબતથી શહેરભરમાં ભારે હોબાળો મચ્યો છે. દરમ્યાન મેયર બીજલબહેન પટેલ કહે છે, રાઇડ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગુનાઇત બેદરકારી પુરવાર થઇ હોય તેમને બ્લેકલિસ્ટ કરવા માટે મ્યુનિ. કમિશનર વિજય નેહરા સમક્ષ રજૂઆત કરાશે.
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટપાર્ક શરૂ કરાયા હતા, જેમાં તંત્રએ કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન ફાળવીને તેની આવકમાં ભાગીદારી કરી હતી એટલે ગત રવિવારે રાઇડ તૂટી પડવાની દુર્ઘટનામાં તંત્ર પણ આડકતરી રીતે જવાબદાર હોઇ આ બાબતથી શહેરભરમાં ભારે હોબાળો મચ્યો છે.
દરમ્યાન મેયર બીજલબહેન પટેલ કહે છે, રાઇડ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગુનાઇત બેદરકારી પુરવાર થઇ હોય તેમને બ્લેકલિસ્ટ કરવા માટે મ્યુનિ. કમિશનર વિજય નેહરા સમક્ષ રજૂઆત કરાશે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાલવાટિકા નજીકના એમ્યુઝમેન્ટપાર્કમાં ડિસ્કવરી રાઇડની પાઇપ હલકી ગુણવત્તાના કારણે બટકાઇ જતાં જે ગંભીર દુર્ઘટના બની છે, તેનાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આ રાઇડના કોન્ટ્રાકટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટની ગુનાઇત બેદરકારી એફએસએલની તપાસમાં બહાર આવતા નાગરિકોનો રોષ વધુ વ્યાપક બન્યો છે. હજુ પણ એલજી હોસ્પિટલમાં ર૯ સહેલાણી સારવાર હેઠળ છે. મ્યુનિ. તંત્ર દ્વારા જ્યારે પણ કોઇ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ધ્યાનમાં આવે તો તેમને બ્લેકલિસ્ટ કરી દેવાની કામગીરી હાથ ધરાય છે, જોકે કેટલાક બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટર નવી કંપની અને તેના લેટરપેડ છપાવીને પાછલે બારણેથી યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ મેળવી લેતા હોય છે.
આ એક જગજાહેર બાબત છે. પરંતુ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટના કોન્ટ્રાકટર ઘનશ્યામ પટેલ અને તેમની ટીમ દ્વારા રાઇડની જાળવણીમાં ગુનાઇત બેદરકારી દાખવાઇ હોવાનું એફએસએલના રિપોર્ટમાં પુરવાર થતા શહેરીજનોના આક્રોશથી બચવા ભાજપના શાસકો પણ કોન્ટ્રાકટર સામે કડક હાથે કામ લેવાની વાત કરવા લાગ્યા છે. કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા અંગે મેયર બીજલબેન પટેલને પૂછતા તેઓ કહે છે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વગેરે ટોચના હોદ્દેદારો આવા મામલે કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની સત્તા ધરાવતા નથી. પરંતુ કમિશનર પાસે તેની સત્તા હોઈ હું કમિશનર સમક્ષ રાઇડના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની રજૂઆત કરીશ.