ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરી કૉમને એશિયાની બેસ્ટ મહિલા એથલીટનો પૂરસ્કાર મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન મુજબ એશિયન સ્પોર્ટ્સ રાઇટર્સ યૂનિયન (AIPS) દ્વારા આયોજિત આ એવોર્ડના પહેલા સંસ્કરણમાં મેરીકૉમને સમ્માનિત કરવામાં આવ્યા.
36 વર્ષની મેરીકૉમ એકમાત્ર મહિલા બોક્સર છે, જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા છે. સૌથી મોટી વાત એ છે કે ત્રણ બાળકોની માતા એમસી મેરી કૉમ 36 વર્ષની ઉંમરમાં પણ હિટ અને ફિટ છે. ખાસ કરીને આ ઉંમરે ખેલાડી પોતાના કરિયરને અલવિદા કહી દેતા હોય છે. પરંતુ મેરીકૉમે પોતાની ફિટનેસથી તમામ મુશ્કેલીને સરળ બનાવી દીધી છે.
36 વર્ષની ઉંમરમાં પણ બોક્સિંગ રિંગની અંદર મેરીકૉમની ફિટનેસ અને તેજી જોવાલાયક છે. વિરોધીઓ પર મેરીકૉમ મુક્કાનો વરસાદ કરે છે અને એટલી જ ઝડપે ખુદને તેમના પ્રહારોથી બચાવે છે.
ગોલ્ડ મેડલોની ચમક હાંસલ કરવા માટે મેરીકૉમ તનતોડ મહેનત કરે છે. તે પૂર્ણ શિસ્તબદ્ધ રીતે બોક્સિંગની ટ્રેનિંગ લે છે. મેરીકૉમને 'સુપરમોમ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.