Many villages in Dolwan taluk of Tapi are without water
તાપી /
સૌથી વધુ વરસાદ છતાં ગુજરાતના આ ગામમાં પાણીના લીધે બાળકોને સ્કૂલમાં સમસ્યા, નળ છે પણ જળ નહીં, ટાંકી છે પણ પાણી નહીં
Team VTV06:17 PM, 04 Feb 23
| Updated: 07:18 PM, 04 Feb 23
તાપીના ડોલવણમાં અનેક ગામ પાણી વિહોણા બન્યા છે, વાસ્મો દ્વારા નાખવામા આવેલા કેટલાક નળ સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે તેમજ પાણીની ટાંકીઓ પણ વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે
તાપીના ડોલવણ તાલુકામાં અનેક ગામો પાણી વિહોણા
હર ઘર નળ થી જળ યોજના હોવા છતાં લોકો પાણી માટે પરેશાન
સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ પાણીની સુવિધાનો અભાવ
તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. છતાં તાપીના ડોલવણ તાલુકામાં લોકો વર્ષોથી પાણીની ભારે અછત વેઠી રહ્યા છે. સરકાર દ્વારા ડોલવણ તાલુકાના પાણીથી વંચિત વિસ્તારોમાં પાણી પહોંચાડવા લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ સુવિધા મળી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત ડોલવણ તાલુકામાં અનેક ગામ પાણી વિહોણા બન્યા છે. પાણી માટેની અનેક યોજનાઓ અત્યાર સુધી કારગત ન નીવડતા ડોલવણ તાલુકાના કાકડવા, પાટી, કોસમકૂવા, વરજાખણ વગેરે ગામોમાં પાણીની અસુવિધા સર્જાઈ છે
તાપીના અનેક વિસ્તારોમાં પાણીની અછત
સરકાર દ્વારા રાજ્યમાં હર ઘર નળ સે જળ પહોંચાડવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો શરૂ કર્યા છે. છતાં રાજ્યના અનેક વિસ્તારો અને ગામો સુધી હર ઘર નળ સે જળ પહોંચ્યું નથી. સરકાર અને તંત્રના ચોપડે ગુજરાતના હર ઘર નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચે છે. પરંતુ આ વાતો માત્ર સરકારી ચોપડે નોંધાયેલી છે વાસ્તવિકતામાં એવું કંઈ નથી. હજી અનેક ગામો સરકારની અનેક યોજના હોવા છતાં પાણીથી વંચિત છે. લોકો અનેક કિલોમીટર દૂર સુધી જઈને પાણી ભરવા મજબૂર બન્યા છે. લોકો દિવસમાં કામ કરે કે ઘર અને ઢોર માટે પાણીની વ્યવસ્થા કરે. તાપીના ડોલવણ તાલુકાની જ વાત કરીએ તો ડોલવણ સહિત કાકડવા તેમજ પાટી ગામમાં અનેક ઘરોમાં નળ મારફતે પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડયુ છે. ઘરે ઘરે વાસ્મો દ્વારા નાખવામા આવેલા કેટલાંક નળ તો ચકલી વિનાનાં સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. તેમજ પાણીની ટાંકીઓ પણ વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. હવે ક્યારે સરકાર દ્વારા આ ગામોમાં પાણીનું સવિધા અપાશે તે તો સમય જ નક્કી કરશે.
અનેક ગામોમાં નથી પાણીની વ્યવસ્થા
ડોલવણ તાલુકા મથકના આજુબાજુના ગામોમાં જ વર્ષ પહેલા મુકેલા નળમાં આજદિન સુધી ટીપું પાણી પહોંચ્યું નથી. જેને કારણે લોકોને ખાસ કરીને શિયાળાની શરૂઆત થી જ પાણી માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. દર વર્ષે સર્જાતી પાણીની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં ન આવતાં સરકાર દ્વારા પાણીની યોજનાઓ પાછળ ફાળવવામાં આવતા કરોડો રૂપિયાનો ધુમાડો જ થતો આવ્યો છે. ડોલવણ તાલુકામાં દર વર્ષે જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે જોકે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ડોલવણના ખાસ કરીને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પાણીની અછત ઉભી થવા લાગે છે. પાણીની અછત ધરાવતા આ વિસ્તારમાં પાણી પહોંચાડવા ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજના અમલી બનાવી હતી જોકે આ યોજના થકી માત્ર અમુક વિસ્તારો સુધી જ પાણી પહોંચતું થયું હતું અને આ યોજના હેઠળ આવતાં અનેક ડોલવણ સહિત કાકડવા તેમજ પાટી સહિતના અનેક ગામમાં પાણી આજદિન સુધી પહોંચ્યું જ નથી. આ ગામોમાં ત્યારબાદ ફળિયા દીઠ મિની પાણીની ટાંકીઓ પણ મુકવામાં આવી છે જોકે આ ટાંકીઓમાંથી પણ મોટાભાગની પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.
કેમ તંત્રને નથી દેખાતી ગામની સમસ્યા?
તાપી જિલ્લામાં માત્ર ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ પાણીની સમસ્યા સર્જાય છે તેવું નથી તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર તેમજ કૂકરમુંડા સહિતના અનેક એવા છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાતી જ હોય છે. અને તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે જોકે કરોડો રૂપિયા ખર્ચવા છતાં લોકોને પાણી મળતું નથી તે એક કડવી વાસ્તવિકતા છે.
સળગતા સવાલ
સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ લોકો પાણીથી વંચિત કેમ?
કેમ હર ઘર નળની યોજના હેઠળ નથી મળી રહ્યું પાણી?
સરકારની હર ઘર નળ થી જળ યોજના માત્ર કાગળ પર કેમ?
શું કામ છેવાડાના વિસ્તારો સુધી નથી પહોંચી યોજના?
આજના સમયમાં પણ લોકો પાણી માટે પરેશાન કેમ?
કેમ લોકોને પાણી નથી મળી રહ્યું?
કેમ સરકાર અને તંત્ર લોકોની સમસ્યા પર ધ્યાન નથી આપતી?