સાવધાન /
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતા પહેલા આ વાત જાણી લેજો, નહીંતર થશે પસ્તાવો
Team VTV10:58 PM, 28 Dec 19
| Updated: 11:15 PM, 28 Dec 19
હાલ નાતાલના તહેવારો ચાલી રહ્યા છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યા છે. લોકો ગમે તેટલા પૈસા ખર્ચીને પણ મનોરંજન મેળવા માગે છે.. આ સ્થિતિમાં પ્રવાસનસ્થળો પર ગેરમાર્ગ અપનાવી પ્રવાસીઓ સાથે છેતરશપડી કરતા એજન્ટો પણ સક્રિય થયા છે.
SOU પર પ્રવાસીઓનો ધસારો
વ્યૂઈંગ ગેલેરીની ટિકિટથી વંચિત
એજન્ટો ઉઠાવે છે ભીડનો લાભ
આપણે જગપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિએ ઊછરી રહેલા બોગસ ટિકિટ કૌભાંડની વાત કરી રહ્યા છીએ. અહીં કેટલાક ટિકિટ એજન્ટો પ્રવાસીઓના ધસારાનો લાભ ઊઠાવી નકલી ટિકિટ પધરાવી રહ્યા હોવાની વાત સામી છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં સામાન્ય દિવસોમાં તો પ્રવાસીઓની ભીડ જોવા મળે જ છે. પરંતુ તહેવારોમાં અહી રીતસર માનવમહેરામણ ઊમટી પડે છે. હાલ નાતાતના તહેવારો ચાલી રહ્યા છે. લોકો મિનીવેકેશની મજામાણી લેવાના મૂડમાં છે. ત્યારે લોકોમાં ફરવાના સ્થળ તરીકે નર્મદામાં કેવડિયા કોલોની પાસે આવેલું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે.
હાલ આ સ્થળે દરરોજ 30 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. એક તરફ પ્રવાસીઓ ગમે તેટલા પૈસા ખર્ચીને પણ સ્ટેચ્યૂની વ્યૂઈંગ ગેલેરી સુધી પહોંચવાના મૂડમાં છે. તો બીજી તરફ જગ્યાની મર્યાદાના કારણે અનેક પ્રવાસીઓને સ્ટેચ્યુ પર જવા માટેની ટિકિટથી વંચિત રહેવું પડયું છે.
કેટલાક ટિકિટ એજન્ટો ફરી રહ્યા છે
પ્રવાસીઓના ધસારા સામે જગ્યા અને ટિકિટના અભાવની સ્થિતિનો લાભ કેટલાક લેભાગ તત્વો ઊઠાવી રહ્યા છે. કેટલાક ટિકિટ એજન્ટોના સ્વાંગમાં ફરતા લોકો અસલ ટિકિટની કલર ઝેરોક્ષ ટિકિટ પ્રવાસીઓને પધરાવી રહ્યા છે. પરંતુ જ્યારે આવી બોગસ ટિકિટ લઈને પ્રવાસી બારકોડ સ્કેનિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે જ ખબર પડે છે કે, ટિકિટ નકલી છે. કેમકે નકલી ટિકિટ સ્કેન થતી નથી. ઘણી વાર આવી સ્થિતિમાં પ્રવાસીઓ અને ટિકિટ સ્કેનિંગ કર્મીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઊભી થાય છે.
7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા
જો કે, પ્રવાસીઓને પડતી તકલીફ અને વધતા જતા ધસારામાં ગેરવ્યવસ્થાને ટાળવા, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઓથોરિટી દ્વારા, કેટલાંક પગલાં લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓના ટિકિટ ચેકિંગ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટિકિટ માટે લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે તે માટે પાર્કિંગમાંથી જ ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હાલ તો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં વ્યૂઈંગ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધી બુક થઈ ગઈ છે. ત્યારે એસઓયુ તંત્ર 31 ડિસેમ્બરે પ્રવાસીઓના વધી જનારા ધસારાને પહોંચી વળવા માટે અને ટિકિટમાં ગેરરીતિ આચરનારા તત્વો પર નજર રાખવા માટે સતર્ક થઈ ગયું છે.