Team VTV01:10 PM, 07 Mar 22
| Updated: 01:18 PM, 07 Mar 22
રેતી માફિયા સામે મનસુખ વસાવાએ સવાલો ઉઠાવતા ધમકી મળ્યાનો દાવો, મનસુખ વસાવાએ વીટીવી ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત
સાંસદ મનસુખ વસાવાનો દાવો
રેતી માફિયા આપી રહ્યા છે ધમકી-વસાવા
મનસુખ વસાવાએ રેતીમાફિયા સામે ઉઠાવ્યા હતા સવાલ
રાજ્યમાં થઇ રહેલી રેતી ચોરી મામલે સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વીટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં મનસુખ વસાવાએ રેતી માફિયા તરફથી ધમકી મળતી હોવાનો દાવો કર્યો હતો. મહત્વનુ છે કે નારેશ્વરમાં માર્ગ અકસ્માતમાં 3નો મોત થતા સાંસદ મનસુખ વસાવાએ મામલતદારનો ઉધડો લીધો હતો.ઓવરલોડ ટ્રક રેતી ચોરીમાં મામલતદારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ મહેસૂલ કર્મચારીઓ સંસદના ગેરવર્તન સામે વિરોધે ચઢ્યા છે.
આવા રેતી માફિયાઓ સામે હું ઝુકીશ નહીં-વસાવા
વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ કે રેતી માફિયાઓ મારા પર દબાણ કરી રહ્યા છે. મહેસૂલના કર્મચારીઓના આંદોલન પાછળ પણ રેતી માફિયાઓનો હાથ છે. તેમજ ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત એમ પણ જણાવ્યુ કે આંદોલન ચલાવવા માટે 1 કરોડ રુપિયાનું ફંડ ભેગુ કર્યું. પરંતુ આવા રેતી માફિયાઓ સામે હું ઝૂકીશ નહી.
રેતી માફિયા-વસાવાનો શું છે વિવાદ ?
મહત્વનુ છે કે નારેશ્વરમાં માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે સાંસદે મામલતદારને ખખ઼ડાવી નાખ્યા હતા. રેતી ખનન મામલે તેમજ ઓવરલોડ ટ્રક મામલે મામલતદારની સંડોવણી હોવાના આરોપ લગાવ્યો હતા. જે બાદ ગુજરાત મામલતદાર એસોસિએશન દ્વારા મનસુખ વસાવા સામે કાર્યવાહીની માગ કરી હતી. તેઓએ સીએમ, મુખ્ય સચિવ અને મહેસૂલ મંત્રીને પત્રને લખીને મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીએએ અશોભનીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ બંને સામે કાર્યવાહીની પત્રમાં માગ કરી હતી.
મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
મામલતદારના આક્ષેપો બાદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને મામલતદારના આંદોલન પર સવાલો કર્યા હતા. રેતી માફિયાના ઇશારે મામલતદાર આંદોલન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મનસુખ વસાવાએ પોતાના પર માફી માગવા દબાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતુ હોવાની પણ રજૂઆત કરી હતી.