IPLની ટીમ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ નોન સ્ટ્રાઇકર છેડા પર બોલ ફેંકાય તે પહેલાં બેટ્સમેનના વધુ પડતા ક્રીઝની બહાર નીકળવા પર પેનલ્ટીનો નિયમ બનાવવા માટે ICC સાથે વાત કરી રહ્યો છે.
ટીમના ઓફ સ્પિનર આર. અશ્વિને આ વાતની જાણકારી આપી છે. અશ્વિને RCBના બેટ્સમેન એરોન ફિંચને માંકડિંગ આઉટ ના કરીને માત્ર ચેતવણી આપી હતી. ગત સિઝનમાં પણ અશ્વિન માંકડિંગ આઉટ કરવાને કારણે મોટી ટીકાનો શિકાર બન્યો હતો.
Source : ipl20.com
અશ્વિને કહ્યું, ''જ્યારથી અમે કિંગ્સ ઈલેવન પંજાબમાં એકસાથે રમ્યા છીએ ત્યારથી ફિંચ મારો સારો મિત્ર રહ્યો છે. આથી મેં તેને અંતિમ ચેતવણી આપી. આ બાબતે ૧૦ રનની પેનલ્ટી લાગવી જોઈએ. જો આવું થશે તો કોઈ બેટ્સમેન બોલ ફેંકાયા પહેલાં ક્રીઝની બહાર નીકળશે નહીં. બેટ્સમેનને માંકડિંગ આઉટ કરવો એ કોઈ સ્કિલ નથી, પરંતુ બોલર પાસે બહુ વિકલ્પ પણ નથી. એવું લાગે છે કે પોન્ટિંગને પણ આ આઇડિયા પસંદ પડ્યો છે.''
અશ્વિને વધુમાં કહ્યું, ''તમે ત્યાં સુધી ચોરી ના રોકી શકો, જ્યાં સુધી ચોરને પસ્તાવો ના થાય. હું હંમશાં પોલીસ બની શકું નહીં. મેં ટ્વિટમાં પોન્ટિંગને ટેગ કર્યો હતો. તેણે મને કહ્યું કે તે ICC કમિટી સાથે આ બાબતે પેનલ્ટી લગાવવા અંગે વાત કરી રહ્યો છે. તે પોતાનું વચન નિભાવવા પૂરી કોશિશ કરી રહ્યો છે.''