Manhar Patel statement on student leader Yuvraj Singh Jadeja allegations
પેપરલીક કાંડ /
VTV EXCLUSIVE: ચાલુ ડિબેટમાં યુવરાજસિંહે કેમ આપી કેસ કરી દેવાની ચેલેન્જ? મનહર પટેલ થયા ધુંઆપુંઆ
Team VTV04:46 PM, 02 Feb 23
| Updated: 04:56 PM, 02 Feb 23
પેપર લીક કાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો પર મનહર પટેલે કહ્યું કે, સસ્તી લોકપ્રિયતા મેળવવાનો અને જિલ્લા તેમજ તાલુકાને બદનામ કરવાનું કારસ્તાન છે
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો પર મનહર પટેલનું નિવેદન
મનહર પટેલે તમામ આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા
સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પણ મનહર પટેલે કર્યો આક્ષેપ
પેપર લીક કાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરીવાર ગંભીર આક્ષેપો કરતા સરકારી ભરતીમાં ગેરરીતિમાં જોડાયેલા લોકોની કુંડળી જાહેર કરી હતી. જેમાં 2016થી 2023 સુધી સરકારી ભરતીમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો પર મનહર પટેલનું નિવેદન સામે આવ્યું છે. લાઈવ ડિબેટમાં યુવારાજ સિંહ જાડેજા અને મનહર પટેલે એકબીજા પર આક્ષેપો કર્યા છે
મનહર પટેલના યુવરાજ સિંહ જાડેજા પર પ્રહારો
મનહર પટેલે યુવરાજસિંહ જાડેજાના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, વારંવાર યુવરાજસિંહના આક્ષેપોથી વ્યથિત થયો છું. સસ્તી લોકપ્રિયતા મેળવવાનો મનહર પટેલે આક્ષેપ કરતા કહ્યું કે, જિલ્લા તેમજ તાલુકાને બદનામ કરવાનું કારસ્તાન છે.
યુવરાજ સિંહ જાડેજાના મનહર પટેલ પર પ્રહારો
યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે તમારા જેવા લોકોએ પેપર ફોડી નાંખ્યું એટલે પેપર રદ્દ કરવું પડે છે, મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી, તમારું નામ LRD અને TATના પેપરમાં છે અને અવિનાશ સાથે તમારા સંબંધ છે, અમેં PMને CBI તપાસની માંગ કરી છે, તમે કોઈ પણ પ્રકાનો કેસ કરો તો હું તૈયાર જ છું, આવા લોકોના લીધે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય રોલાયા છે
લાઈવ ડિબેટમાં કોણ શું બોલ્યા
યુવરાજસિંહ: તમારું નામ tat પણ છે
મનહર પટેલ: શું પૂરાવો છે તમારી પાસે
યુવરાજસિંહ: તમે માનહાનિનો દાવો કરી શકો છો
મનહર પટેલ: મને ફસાવવામાં આવ્યો છે
યુવરાજસિંહ: તમારા પર cbi તપાસ થવી જોઈએ
મનહર પટેલ: પાયાવિહોના આરોપ લગાવો છો
યુવરાજસિંહ: FIR માં તમારું નામ છે, fir જોઈ લેવાની છૂટ છે
મનહર પટેલ: આ કોર્ટનો વિષય છે, નહીં કે તમારો વિષય, મારો કોઈ સગો નથી, હું કાયદાકીય કાર્યવાહી કરીશ, રાજકીય પબ્લિસિટી માટે આવું બધુ કરે છે યુવરાજ સિંહ, મારે 10 વીઘા છે, મારી પાસે ક્યાં કરોડો રૂપિયા છે
યુવરાજસિંહ: તમે ભાજપની ટિકિટ પર નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા? તમારી ધર્મપત્ની કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા?
મનહર પટેલ: મારા એવા કોઈ તાર જોડાયેલા નથી, પાયાવિહોણા આક્ષેપ બંધ કરો તમારા
યુવરાજસિંહ: તમારા જેવા લોકોએ પેપર ફોડી નાંખ્યું એટલે પેપર રદ્દ કરવું પડે છે
મનહર પટેલ: મેં કોઈને બેસાડ્યા નથી,
યુવરાજસિંહના શું હતા આક્ષેપો
અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે: યુવરાજ સિંહ
વધુમાં યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, 'કેતન બારોટ કે જે અરવલ્લી સાથે સંકળાયેલ છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલના પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. અવિનાશના પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.'
સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી: યુવરાજ સિંહ
તદુપરાંત તેઓએ જણાવ્યું કે, 'મોબાઈલ ડિટેઈલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભાણો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે. નિશિકાંત સિંહા બ્યુરોક્રેટ સાથે જોડાયેલ છે. ભાસ્કર ચૌધરીને તિહાડ જેલમાંથી નિશિકાંત સિંહાએ છોડાવ્યા હતા. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ આ સમગ્ર સ્કેન્ડલ સાથે જોડાયેલા છે. 2016થી આ તમામની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે. છેલ્લાં 4 વર્ષમાં તેમની 10 કરોડ કરતા વધુની પ્રોપર્ટીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની તમામ ઓનલાઇન ભરતીમાં ફ્રોડ કરવામાં આવ્યું છે. ત્યારે સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી છે.'
GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂંક આપી હોવાનો દાવો
યુવરાજ સિંહ જાડેજાએ GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપનો દાવો કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે. કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો અને જિલ્લાનો બાયડ તાલુકો હોવાનો યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂંક આપવી એ શંકાસ્પદ બાબત છે. 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ અપાયા. વચેટિયાઓમાં અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ અને શ્રીકાંત શર્માની સંડોવણી હોવાનો દાવો કરાયો. એજન્સીના મળતિયાઓ સાથે સંપર્ક રાખીને કૌભાંડ થયું હોવાનો પણ યુવરાજ સિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. અજય પટેલ કે જે બાયડમાં ક્લાસિસ ચલાવે છે જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે.