પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંભલમાં બાળકો ચોરી જવાની કોશિશની અફવા ફેલાયા બાદ એક વ્યક્તિનું ભીડ દ્વારા માર મારવાથી મોત થઇ ગયું. જ્યારે તેના ભાઇને ઘાયલ કરી દેવાયો. આવી જ એક ઘટના ગાઝિયાબાદમાં બની.
જ્યાં એક વૃદ્ધ મહિલાને બાળક ચોર હોવાના આરોપમાં ખરાબ રીતે મારવામાં આવી. આ દરમિયાન તે પોતાના પૌત્રની સાથે બજાર ગઇ હતી. સંભલમાં બે ભાઇ પોતાના બીમાર ભત્રીજાને એક ડૉક્ટર પાસે લઇ જઇ રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો એમની પાસે આવી બાળકના અપહરણ કરવાનો આરોપ લગાવ્યો.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. બંને ભાઇઓને ત્યાં સુધી માર મારવામાં આવ્યો કે તે જમીન પર પડી ગયા, ત્યારબાદ પણ ભીડે તેમના પર ખૂબ જ લાતોથી પ્રહાર કરતા રહ્યા. બંને ભાઇઓ ભીડને નિર્દોષ હોવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ લાકડીઓ અને લોખંડના સળિયાઓથી લેસ ભીડ તેમની નિર્દયતાથી માર મારતા રહ્યા.
પશ્ચિમી ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકો બાળકોની ચોરીની અફવાઓ પર જલ્દી વિશ્વાસ કરી લેતા હોય છે. પોલીસ મુજબ, માત્ર બુલંદશહેર જિલ્લામાં જ ગત એક મહીના દરમિયાન ઓછામાં ઓછા 12 મામલા સામે આવ્યા છે. જેમા ભીડે લોકો પર બાળકોની ચોરીની અફવા પર હુમલો કર્યો હોય.
ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે તે તમામ મામલામાં કાર્યવાહી કરી રહ્યા છે, જેથી અફવાઓ પર રોક લાગી શકે. ગત વર્ષે જુલાઇમા કર્ણાટકના બીદરમાં વ્હોટ્સએપ પર ફેલાયેલી બાળક ચોરીની અફવાને કારણે 32 વર્ષીય એક સોફ્ટવેર એન્જિનિયરને નિર્દયતાથી ફટકારીને મારી નાંખવામાં આવ્યો.