અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપમાં પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે
કંટાળીને કર્યું અગ્નિસ્નાન
પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું
સોશિયલ મીડિયામાં મૃતકનો વાયરલ વિડીયો પણ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે. મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે.
પેટ્રોલ પંપ પર ભાડેથી પંચરની દુકાન રાખી પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ આત્મહત્યા કરતા મેમનગર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. મૃતક પરિસ્થિતિ સાથે નહિ લડી શકતા પોતાનો જીવ ગુમાવી પરિવારે પણ ઘરનો મોભી ગુમાવવો પડ્યો છે.
શું છે મામલો?
મૃતક સીબ્બુ મણીયન ઇરાવા એ IOC પાસેથી કોન્ટ્રાકટથી રૂપિયા 3 લાખની ડિપોઝીટ ભરીને દર મહિને 16ના ભાડે પંચરની દુકાન રાખી હતી. પણ તાજેતરમાં જ વર્ષ 2020માં જ સીબ્બુ મણીયન ઇરાવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતાં IOCના કર્મચારી અને મેમનગર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણા દ્વારા પરેશાન કરી દુકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતુ. બીજી તરફ સીબ્બુ મણીયન ઇરાવાએ પોતાના કેરળ વતનમાં મકાન બનાવવાનું કામ શરૂ કરાવ્યું હોવાથી રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. પરંતુ IOC પંપ દ્વારા ન તો તેને ડિપોઝીટ પરત કરવામાં આવી ન હતો ધંધો કરવા દેવામાં આવ્યો. જેને પગલે કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું.
પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
સીબ્બુ મણીયન ઇરાવા એ આત્મહત્યા કરતા પહેલા પેટ્રોલ પંપ પરથી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેની કથની લોકો સમક્ષ મૂકી હતી કે તેને કેવી રીતે હેરાનગતિ કરવામાં આવતી. જોકે હેરાનગતિનો સીલસીલો છેલ્લા બે સપ્તાહથી ચાલતો હતો. જેને પગલે કંટાળીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હાલમાં પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અગાઉ પણ બીજેપી કોર્પોરેટરના ત્રાસ થી આત્મહત્યા કર્યાનો વિવાદ સામે આવેલો. તેવામાં બીજેપીના પૂર્વ કોર્પોરેટરના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.