પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા મામલે મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ગૃહમંત્રીના ઇશારે થઈ રહ્યું છે ષડયંત્ર : બેનર્જી
મને પહેલાથી જ આશંકા હતી : બેનર્જી
મમતા બેનર્જીએ અમિત શાહના રાજીનામાની કરી માંગ
કૂચબિહારમાં થયેલી હિંસા મામલે દીદી લાલચોળ
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું છે. સાથે જે તેમણે લોકોને અપીલ કરી છે કે લોકો શાંતિ રાખે. કૂચબિહારની ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી આક્રમક થઈ ગયા છે અને આવતીકાલે આ મુદ્દે પોતે મુખ્યમંત્રી વિરોધ પ્રદર્શન કરવાના છે. આ મુદ્દે પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શનની તૈયારી બતાવી છે.
લગાવ્યા ગંભીર આરોપ
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં હિંસા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી જવાબ માંગ્યો છે અને રાજ્યમાં વિધાનસભાની ચોથા ચરણની મતદાન દરમિયાન કૂચબિહારમાં જિલ્લામાં સિતાકૂલચીમાં કેન્દ્રીય બળોમાં લોકોના જીવ કેમ ગયા? તેમણે કહ્યું કે કેન્દ્રીય બળોના અત્યાચારને જોઈને તેમને ઘણા સમયથી આવું કઈંક થવાની આશંકા હતી જ.
અમિત શાહના રાજીનામાની માંગણી
મમતા બેનર્જીએ કહ્યું કે ચાર લોકોને મારવામાં આવ્યા છે. CRPF મારી દુશ્મન નથી પરંતુ ગૃહમંત્રીના ઇશારે ષડયંત્ર કરવામાં આવી રહી છે અને આજની ઘટના તેના પૂરાવા છે. આ સાથે જ મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ પણ કરી છે.
ભાજપ પર હિંસા ભડકાવવાનો આરોપ
મુખ્યમંત્રીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કેટલાય લોકોને માર્યા બાદ ચૂંટણી આયોગ કહી રહ્યું છે કે આત્મરક્ષામાં ગોળીબારી કરવામાં આવી છે. તેમને શરમ આવવી જોઈએ. આ એક જૂઠ છે. CRPFએ મતદાન માટે લાઇનમાં ઉભેલા લોકોને ગોળી મારી દીધી છે અને ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મને આ વાતની ખૂબ લાંબા સમયથી આશંકા હતી જ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ જાણે છે કે તેમણે જનાધાર ગુમાવી દીધો છે તેથી લોકોને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
મમતા બેનર્જીએ કહ્યું કે હું અત્યારે લોકોને શાંતિપૂર્ણ મતદાન કરવાની અપીલ કરું છું. તેમને હરાવીને બદલો લેવામાં આવે. આ ચૂંટણીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ત્રણ વર્ષ પહેલા પંચાયત ચૂંટણીથી વધારે છે.
પીએમ મોદીએ આપ્યો જવાબ
પશ્ચિમ બંગાળમાં આજે ચોથા ચરણનું મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સિલિગુડીમાં પ્રધાનમંત્રી મોદીએ આજે મતદાન દરમિયાન થયેલી હિંસામાં મામલે મોટું નિવેદન આપ્યું. તેમણે અકહ્યું કે આજે જે લોકોના મોત થાય છે તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભાજપના પક્ષમાં જનસમર્થન જોઈને દીદી અને તેમના ગુંડાઓમાં પરેશાની થઈ રહી છે. ખુરશી જતી જોઈને તે આ સ્તર પર ઉતરી આવ્યા છે. પીએમ મોદીએ દાવો કર્યો કે બંગાળની ધરતીએ એલાન કરી દીધું છે કે હવે TMC સરકાર જઈ રહી છે.
ભાજપની સરકાર બનવા જઈ રહી છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતીએ એલાન કરી નાંખ્યું છે કે TMCની સરકાર જઈ રહી છે અને ભાજપની સરકાર આવી રહી છે. બંગાળમાં નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ભાજપની જીત થવા જઈ રહી છે. બંગાળમાં ત્રણેય ચરણમાં બમ્પર વોટિંગ થયું છે. ખાસ કરીને માતા અને બહેનો આશીર્વાદ આપી રહ્યા છે. હું શીશ ઝુકાવીને નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે સોશ્યલ મીડિયા પર વીડિયો જોયો. દીદીના નજીકના મંત્રી અહિયાં લોકોને ધમકાવી રહ્યા છે કે ભાજપને વોટ આપ્યા તો ઉઠાવીને ફેંકી દેવામાં આવશે. શું આ યોગ્ય છે? દીદીના 10 વર્ષના રાજનું સત્ય આ જ છે.