Mamata Banerjee demands a universal covid 19 vaccine programme
મહામારી /
દરેકને મફતમાં રસી આપો, મોદી સરકાર માટે 30,000 કરોડ કંઈ ન કહેવાય, બંગાળમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા
Team VTV04:57 PM, 08 May 21
| Updated: 05:19 PM, 08 May 21
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના સંકટને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે.
મુખ્યમંત્રી બનતા જ એક્શમાં મમતા બેનર્જી
કેન્દ્ર સરકારને લીધી આડેહાથ
ભાજપે ચૂંટણી માટે કરોડો રૂપિયા વહાવ્યાનો લગાવ્યો આક્ષેપ
તેમણે રાજ્યની વિધાનસભામાં સંબોધન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે 30 હજાર કરોડ રૂપિયા સામાન્ય વાત છે. સમગ્ર દેશમાં એક વેક્સિન કાર્યક્રમ થવો જોઇએ. મુખ્યમંત્રીએ આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ નાગરિકોને મફતમાં કોરોનાની રસી મળી રહે તે માટે અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને પણ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન
મમતા દીદીએ પ્રધાનમંત્રીને પીએમ કેયર્સ ફંડ વિશે સવાલ કર્યો અને કહ્યું કે, તે રસી માટે 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કેમ નથી કરી રહી? જ્યારે કરોડો રૂપિયા ખર્ચીને નવી સંસદ અને પ્રતિમાઓ બનાવી રહી છે, આખરે પીએમ કેયર્સ ફંડ શું છે ? તેમણે પશ્ચિમ બંગાળમાં રાજ્ય ચૂંટણી દરમિયાન આટલી મોટી રકમ ખર્ચ કરવા મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો. મમતાએ કહ્યું કે, ભાજપે પોતાના નેતાઓ, કેન્દ્ર અને અન્ય રાજ્યોના મંત્રીઓ માટે અનેક હોટલ બૂક કરી હતી.
ભાજપે ચૂંટણી માટે કરોડો રૂપિયા વહાવ્યાનો લગાવ્યો આક્ષેપ
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તે એક કાવતરું હતું. મને ખબર નથી કે તેમણે વિમાનો અને હોટલોમાં કેટલા કરોડ ખર્ચ કર્યા. અહીં પૈસા પાણીની જેમ વહાવી રહ્યા હતા. જો તેઓએ તેની જગ્યાએ રસી આપી હોત તો તે રાજ્ય માટે વધુ સારું હોત. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ તેમણે કેન્દ્રને પત્ર લખ્યો હતો અને રાજ્યને રસી ખરીદવાની મંજૂરી આપવા કહ્યું હતું પરંતુ તેમણે મંજૂરી આપી ન હતી. હવે રાજ્યમાં ઓક્સિજન ગેસના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યના યુવાનોએ ટીએમસીને મત આપ્યા હોવાની કરી વાત
તૃણમુળ કોંગ્રેસના નેતાઓના વખાણ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યના યુવાઓએ ટીએમસીને મત આપ્યો છે. આ પાર્ટી માટે એક નવી સવાર છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ તથ્ય છતાં રાજ્યમાં ઘણી બધી જગ્યાએ વેક્સિન અને ઓક્સિજન નથી. અમને હવે એક જનાદેશ મળ્યો છે કે, અમારે કોરોના બીમારીથી ઝઝૂમી રહેલા પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરવાનું છે. જણાવી દઇએ કે, 294 વિધાનસભાની બેઠકમાં ટીએમસીએ 213 બેઠક પર જીત હાંસલ કરી હતી.