બોલીવૂડમાં અભિનેત્રીઓએ મી ટૂ મૂવમેન્ટ દરમિયાન પોતાની સાથે થયેલ યૌન શોષણની ઘટનાઓના ખુલાસા કર્યા હતા ત્યારે વેબ સીરીઝમાં દેખાતી અભિનેત્રી મલ્હાર રાઠોડે મોટો ખુલાસો કર્યો છે. જયારે તે કામ શોધવા માટે સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે તેની સાથે આ કડવો અનુભવ થયો હતો. એક્ટ્રેસે આ વિષય પર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે.
'હોસ્ટેજ' અને 'તેરે લીએ બ્રો'માં મલ્હારે કર્યું કામ
ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી પોસ્ટ
મી ટૂ મૂવમેન્ટ પર મલ્હારે કરી વાત
'હોસ્ટેજ' અને 'તેરે લીએ બ્રો' જેવી વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલ અભિનેત્રીએ મોટો ખુલાસો કર્યો છે. એએફપી ન્યુઝમાં આપેલ ઇન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલનાં દિવસો વિશે જણાવતાં પોતાની સાથે થયેલ એક કડવા અનુભવની વાત કહી હતી.
મલ્હારે કહ્યું કે તેમણે કામની શોધમાં ઘણા મહિનાઓ કાઢ્યા અને તે દરમિયાન જાતીય સતામણીનો સામનો પણ કરવો પડ્યો. મલ્હારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પણ જાણકારી આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે આ બધું બંધ થવું જોઈએ અને જે લોકોએ આ વિષય પર મલ્હારનો સાથ આપ્યો છે તેમનો આભાર પણ માન્યો છે.
મલ્હારે પોતાની વાત જણાવતા કહ્યું કે 'હું ખુબ જ યંગ હતી. હું 65 વર્ષનાં એક પ્રોડ્યુસરને મળી. તેમણે મને કહ્યું કે તેમની પાસે મારા માટે એક રોલ છે. જે બાદ તેમણે મને કહ્યું કે હું તેમની સામે જ મારું ટોપ ઊંચું કરું. હું ખુબ જ ભયભીત થઇ ગઈ, મને ખબર જ ન હતી કે મારે શું કરવું જોઈએ. જો તમારી પાસે કરિયરનો કોઈ વિકલ્પ હોય તો તમારા માટે સર્વાઈવ કરવું થોડું સરળ થઇ જતું હોય છે. શરૂઆતમાં હું એટલી ગભરાઈ જતી હતી કે મારી માને પણ તેની જાણ કરતી ન હતી. મને ડર સતાવતો હતો કે જો મારા પરિવારને આ વસ્તુની જાણ થશે તો સિનેમાજગતમાં મારું કરિયર બનવા દેશે નહિ. હું ખુબ જ ખુશ છું કે મીટૂ મૂવમેન્ટ સામે આવી છે. આ પહેલાં આ બધું જ ચાલતું હતું અને કોઈ આ વિષય પર ચર્ચા કરતા ન હતા.'
નોંધનીય છે કે મી ટૂ મૂવમેન્ટ ઓક્ટોબર 2018માં આવ્યો હતો જેમાં અનુ મલિક, કૈલાશ ખૈર, આલોક નાથ, સાજીદ ખાન અને નાના પાટેકર સહિત ઘણા મોટા ચેહરાઓના નામ સામે આવ્યા છે. વિદ્યા બાલન, સુરવીન ચાવલા, કલ્કિ કેક્લા જેવી ઘણી મહિલાઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે જાણકારી આપી છે. માત્ર બોલીવૂડ જ નહિ સાઉથ ઇન્ડિયન સિનેમામાં કામ કરતી એક્ટ્રેસ પરિણીતા સુભાષ, શ્રુતિ હરિહરણે પણ પોતાની આપવીતી શેર કરી હતી. હજુ તો જેમના નામ સામે આવવાના બાકી છે તેમની લીસ્ટ ખુબ લાંબી છે.