બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 5000થી વધુ મહિલાઓને હિંસાની ચુંગાલમાંથી છોડાવી, નિઃસ્વાર્થ ભાવે સેવાની સરવાણી વહાવી રહ્યા છે સોનલબહેન
Nidhi Panchal
Last Updated: 09:29 AM, 6 October 2024
સ્ત્રી-સશક્તિકરણ, ફેમિનિઝમ આજકાલ આ શબ્દો વાપરવાની જાણે ફેશન છે. દરરોજ છાપામાં કોઈ ગ્લેમરસ એક્ટ્રેસના કે પછી કોઈ જાણીતા વ્યક્તિ તમને મહિલાઓની આઝાદી અંગે સારુ સારુ બોલતા મળી જશે. પરંતુ હકીકત એ છે કે આજે પણ આપણા સમાજમાં, આપણી જ આજબાજુની મહિલાઓ અનેક પ્રકારની દુર્ઘટનાઓનો શિકાર બની રહી છે, જેની કદાચ આપણને જાણ પણ નથી હોતી. કોઈ મહિલાને તેમાંથી નીકળવાના રસ્તા નથી ખબર હોતી, તો કોઈ મહિલાની હિંમત નથી થતી. પરંતુ આવી સ્થિતિમાં શક્તિ બને છે, સોનલ બહેન જોશી જેવી મહિલાઓ. જે ન માત્ર પીડિતાને હિંમત આપે છે, પરંતુ તેને પડખે ઉભા રહે છે, અને તેમના જીવનને ફરી ખુશીઓથી શણગારી આપે છે.
ADVERTISEMENT
5000થી વધુ મહિલાઓને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી
ડૉ. સોનલબહેન જોશી એવી અસંખ્ય મહિલાઓના અંધકારભર્યા જીવનમાં આશાનો દીપક પ્રગટાવી રહ્યા છે, જેઓ ઘરેલુ હિંસાનો શિકાર બની રહી છે. અત્યાર સુધીમાં તેઓ 5000થી વધુ મહિલાઓને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી ચૂક્યા છે, એટલું જ નહીં 3થી 4 હજાર જેટલી યુવતીઓના પોતાના ખર્ચે લગ્ન કરાવી ચૂક્યા છે. ડૉ. સોનલબહેન મહિલાઓની લડાઈ માત્ર કોર્ટમાં જ નહીં, પરંતુ રિયલ લાઈફમાં પણ લડે છે. તમે કદાચ જાણીને ચોંકી જશો કે આજના કહેવાતા આધુનિક જમાનામાં પણ ઘરેલુ હિંસા સાવ સમાન્ય છે. 2021માં માત્ર ગુજરાતમાં જ ઘરેલુ હિંસાના 30,800 કેસ નોંધાયા હતા. તો 2023માં અભયમ હેલ્પલાઈન પર 98,830 કોલ મદદ માટેના આવ્યા હતા. એટલે કે અત્યાધુનિક ટેક્નોલોજીથી તો આપણે આગળ વધ્યા છીએ, પરંતુ સમજણશક્તિથી પાછળ જ છીએ.
ADVERTISEMENT
આ રીતે શરૂ થઇ સોનલબેનની સફર
સોનલબહેનની પોતાની સફર પણ આવી જ ઘરેલુ હિંસાનો ભોગ બનવાથી થઈ હતી. કદાચ એટલે જ તેઓ પીડિતાઓની લાગણીને વધુ સારી રીતે સમજી શકે છે. એક સમયે 10*10ની ઓરડીમાં રહેતા સોનલ બહેનના પિતા પોતે ગુસ્સાવાળા હતા. સોનલબહેનનું કહેવું છે કે,'મારા પિતા નાની ઉંમરે જ મારા લગ્ન કરી દેવા માટે રોજ પ્રેશર કરતા, પરંતુ મારી મા તેમની સામે ઝઘડીને મને બચાવી લેતી. મેં મારા ઘરની અંદર જ હિંસા થતી જોઈ છે. દાદા ગુજરી ગયા તો દાદીને ટકલું કરાવવું પડ્યું. આજના સમયમાં તો તમે આ વિચારી પણ ન શકો.' જો કે કુમળી વયે જોયેલી આ બધી ઘટનાઓની તેમના માનસપટ પર એવી અસર પડી કે સોનલબહેને ત્યારે જ વિચારી લીધું કે કાયદાના સહારાથી આવા અમાનુષી અત્યાચારોથી તેઓ મહિલાઓે બચાવશે. જો કે, અહીં પણ સંકટ તો આવ્યું જ કારણ કે કુંઠિત વિચારસરણી ધરાવતા તેમના પિતા સોનલબહેનને વકીલાતનો અભ્યાસ નહોતા કરવા દેતા. એટલે સુધી કે તેમને એક રૂમમાં પૂરી દેવામાં આવતા, ભણવા માટે લાઈટ નહોતી ચાલુ કરવા દેવામાં આવતી. પણ હાર માને એ બીજા. આ તો શક્તિ સ્વરૂપા સ્ત્રી કહેવાય. સોનલબહેન સ્ટ્રીટલાઈટ નીચે ભણ્યા. 10મા ધોરણથી નોકરી અને અભ્યાસ ચાલુ રાખ્યો. એક બાદ એક નાની મોટી નોકરી કરતા કરતા વકીલાત સુધી પહોંચ્યા પણ ખરા.
પોતે પણ ઘરેલું હિંસાનો શિકાર બની ચૂક્યા છે
યુવાનીના ઉંબરે પગ મૂક્તા જ સોનલબહેનને પણ લગ્નના તાંતણે બાંધી દેવામાં આવ્યા. નાની વયે તેમને લગ્નજીવનના સોળ શણગાર મનમાંય સજ્યા હતા. પરંતુ અહીંય તેમને નિરાશા જ સાંપડી. પોતાના લગ્નમાં પણ તેઓ ઘરેલુ હિંસાનો શિકાર બન્યા, પતિની ગેરવર્તણૂંકનો ભોગ બન્યા. જો કે, હિંમતે મર્દા તો મદદે ખુદાને આત્મસાત કરીને તેઓ 2013માં જ આ દુઃખી લગ્નજીવનમાંથી બહાર આવી ગયા, અને તેમની સાચી લડાઈની શરૂઆત થઈ.
ન્યાય અને અધિકાર માટેની લડતની શરૂઆત
વકીલાતનો અભ્યાસ તો ચાલુ જ હતો, તેમાં તેમણે નિપુણતા મેળવી અને સાથે જ પત્રકારત્વનો પણ અભ્યાસ કર્યો. પોતાના જેવી, પોતાની માં કે દાદી જેવી હાલત કોઈ સ્ત્રીની ન થાય, તે માટે મહિલાઓના ન્યાય અને અધિકાર માટે લડત શરૂ કરી. આ દરમિયાન તેમની મુલાકાત એક એવી મહિલા જોડે થઈ, જેની હાલત જોતા જ દયા આવી જાય તેવી હતી. સોનલબહેન મહિલાનું નામ આપ્યા વગર કહે છે કે,'એને એનો પતિ સિગરેટના ડામ આપતો હતો, લાકડા વડે ફટકારતો હતો. તમે સમજોને કે આ છોકરી નરકમાં જ જીવતી હતી. એક દિવસ હિંમત કરીને તેણે મને ફોન કર્યો, તેની વાત સાંભળતા જ હું હલબલી ગઈ અને કંઈક વિચાર્યા વગર તેનો કેસ લીધો. કેસ લડી અને મહિલાને સ્વતંત્ર જીવન જીવતા કરી.' આ કહેતી વખતે સોનલબહેન પોતે પણ એટલા ખુશ થઈ જાય છે, કે એક મહિલાને તેમના લીધે નવું જીવન મળ્યું. આવી તો એક નહીં 5000થી વધુ મહિલાઓને સોનલબહેન મદદ કરી ચૂક્યા છે.
એટલું જ નહીં સોનલબહેન હવે હજારો મહિલાઓને માર્ગદર્શન પણ આપે છે. તેઓ માત્ર કાયદાકીય લડત પૂરતા સીમિત નથી રહ્યા. તેઓ મહિલાઓને પગભર બનાવવા માટે કાર્યક્રમો કરે છે, વર્કશોપ યોજે છે. મહિલાઓને એકબીજા સાથે ઓળખાણ કરાવીને તેમનું નેટવર્ક કરે છે, જેથી સમદુઃખિયા મહિલાઓ એકબીજાની મદદ કરી શકે. એક ઈચ્છા શક્તિ, એક સંકલ્પને કારણે સોનલબહેને હજારો મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. એક સમયના પીડિતા સોનલબહેન આજે હજારો મહિલાઓ માટે પ્રેરણા બની ચૂક્યા છે. જો કે ઉપર જણાવ્યા જેવો એક કેસ નથી, તેઓ બીજલ જોશી ગેંગરેપ જેવા મોટા કેસ પણ લડી ચૂક્યા છે. કેટલાક કેસ તો એવા હતા, કે જેમાં તેમને મોટા માથા તરફથી ધમકીઓ પણ મળી. જો કે, પોતાની સંકલ્પશક્તિથી સોનલબહેન ટકી રહ્યા.
પૈસા કમાવાનો હેતુ નથીઃ સોનલબેન
આજે પણ સોનલબહેનનો દરવાજો કોઈ પણ મહિલા ખખડાવી શકે છે. સોનલબહેનનું કહેવું છે કે,'આજે હજારો મહિલાઓ મારી પાસે મદદ માગવા આવે છે, પરંતુ હું જોઈ તપાસીને સાચા લાગે તેવા જ કેસ લઉ છું. પૈસા કમાવાનો હેતુ નથી. સામાજિક કાર્યકર્તા તરીકે સમાજ માટે કામ કરવાની ભૂમિકા નિભાવું છું.' સોનલબહેનને આ જબરજસ્ત કામગીરી માટે 117 કરતા વધારે એવોર્ડ પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મળી ચૂક્યા છે. હવે તો તેમણે કાયદા અને સમાજિક વિજ્ઞાનમાં અમેરિકન યુનિવર્સિટીમાંથી માનદ ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અનેક યુનિવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. માં અને દાદીને રોલમોડેલ માનનાર સોનલબહેનનો સંકલ્પ માત્રને માત્ર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આવી સ્ત્રી શક્તિને સો સો સલામ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT