બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉત્તરાયણ પર ઘરે જ બનાવો તલના લાડું, રેસીપી એકદમ સરળ, ખાવામાં હશે સોફ્ટ
Last Updated: 01:32 PM, 11 January 2025
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર તલ-ગોળના લાડુ બનાવવાને શુભ માનવામાં આવે છે. જે સ્વાદિષ્ટ જ નથી હોતા પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તલ-ગોળના લાડુ ખાવાની પરંપરા પાછળ એક ઊંડું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણની શરૂઆત કહેવામાં આવે છે. આ સમય શુભ કાર્યો માટે અનુકૂળ મનાય છે. એવી માન્યતા છે કે તલનું દાન કરવું એ એક મહાદાન છે, એટલે કે તલનું દાન કરવું પુણ્યશાળી છે. આથી મકરસંક્રાંતિ પર તલના લાડુનું પણ દાન કરવામાં આવે છે.
ADVERTISEMENT
શિયાળામાં તલ અને ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલ અને ગોળ શરીરને ગરમ રાખે છે, જે ઠંડીની ઋતુમાં શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદીથી પણ બચાવે છે. તલમાં કેલ્શિયમ, આયર્ન અને ગુડ ફેટ હોય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. ગોળ પાચનક્રિયામાં પણ સુધારો કરે છે અને શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે.
મકરસંક્રાંતિ પર તલ-ગોળના લાડુ બનાવવા અને ખાવા એ ધાર્મિક, આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ શુભ મનાય છે. આ સ્થિતિમાં જો તમે મકરસંક્રાંતિના અવસર પર તલ અને ગોળના લાડુનું દાન કરવા અને તેનું સેવન કરવા માંગતા હોય તો ઘરે પણ બનાવી શકો છો. અહીં તલ અને ગોળના લાડુ બનાવવાની રેસીપી તમને જણાવીશું.
ADVERTISEMENT
એક કપ સફેદ તલ, 3/4 કપ ગોળ (છીણેલું), એક ચમચી ઘી, અડધી ચમચી એલચી પાવડર, 2-3 ચમચી પાણી.
સ્ટેપ 1 - એક કડાઈમાં તલ ઉમેરો અને તેને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકો. તલ ફૂલવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો અને તલને એક પ્લેટમાં કાઢી લો.
સ્ટેપ 2- એ જ તવામાં ઘી ગરમ કરો અને તેમાં છીણેલ ગોળ ઉમેરો. બે થી ત્રણ ચમચી પાણી ઉમેરો અને ગોળને ધીમા તાપે ઓગળવા દો.
સ્ટેપ 3- ગોળ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.
સ્ટેપ 4- હવે ઓગાળેલા ગોળમાં શેકેલા તલ અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી ગેસ બંધ કરો અને મિશ્રણને થોડું ઠંડુ થવા દો જેથી લાડુ સરળતાથી બનાવી શકાય.
સ્ટેપ 5- તમારા હાથ પર થોડું ઘી લગાવો અને આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવો. લાડુ બન્યા બાદ તેમને ઠંડા થવા દો અને પછી એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરો.
તલના લાડુ બનાવતી વખતે તે વાત ધ્યાનમાં રાખો કે તલને ધીમા તાપે ગરમ કરવા જોઈએ જેથી તે બળી ન જાય. ગોળની ચાસણી વધારે ન ગરમ કરો નહીં તો લાડુ કાઠા બની શકે છે. જો તમે ઈચ્છો તો તેમાં કાજુ, બદામ અથવા મગફળી પણ ઉમેરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.