Make Kacchi haldi sabji in winter season and Avoid Disease
રેસિપી /
શિયાળામાં ઉત્તર ગુજરાતનું આ શાક છે અનેક રોગમાં લાભદાયી, કરશે દવાનું કામ
Team VTV11:56 AM, 28 Jan 20
| Updated: 12:03 PM, 28 Jan 20
હાલ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં લીલી હળદરનું શાક પ્રખ્યાત છે. મૂળે તો તે રાજસ્થાનનું શાક છે, પણ ગુજરાતના આ જિલ્લા તેની સાથે વ્યાપારિક અને ભૌગોલિક રીતે જોડાયેલા હોઈ ત્યાં પણ તેનું ચલણ વધ્યું છે. હળદરના અનેક ફાયદા છે. તેનું નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. એવું કહેવાય છે કે દુનિયાની સૌથી મોંઘી છ દવાઓમાં જે તત્ત્વ ઉમેરવામાં આવે છે તે તમામ હળદરમાં ઉપલબ્ધ છે.
શિયાળામાં લીલી હળદરનું શાક છે દવાસમાન
ઉત્તર ગુજરાતમાં બને છે લીલી હળદરનું શાક
આ રીતે બનાવી લો સ્વાસ્થ્ય માટે લાભદાયી લીલી હળદરનું શાક
આ છે હળદરના ફાયદા
ઍન્ટિસેપ્ટિક ગણાતી દળેલી હળદર ઘા પર ભરી દેવાથી રૃઝાઈ જાય છે, તો મેદસ્વી લોકો માટે તે વરદાન મનાય છે. લીલી હળદરને ઘીમાં પકવવામાં આવે છે. જેમાં એક પછી એક અન્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. આમ કરવા પાછળનું કારણ એ કે હળદર એવી વસ્તુ છે જે યોગ્ય રીતે પકવવામાં ન આવે તો ખાનારને એસિડિટી થઈ જતી હોય છે. આ જ કારણોસર તેને તેલને બદલે ઘીમાં પકવવામાં આવે છે.
આ રીતે બનાવો લીલી હળદરનું શાક
અસલ હળદરનું શાક બનાવતાં બેથી અઢી કલાકનો સમય લાગતો હોય છે. પાકી ગયા પછી તેમાંથી એક પ્રકારની યુનિક સુગંધ આવવા લાગે એ પછી તેમાં પસંદગી મુજબ વટાણા, ગાજર, ટામેટાં વગેરે ઉમેરવામાં આવે છે. સામાન્ય રીત પ્રમાણે ઘીમાં લીલી હળદરને લાલ થાય ત્યાં સુધી સાંતળવામાં આવે છે. એ પછી લસણ અને ડુંગળીની પેસ્ટ, ટામેટાંની ગ્રેવી ઉમેરાય છે. ઘી છૂટું પડે પછી થોડું આદું અને મરચાંની પેસ્ટ, મીઠું, લાલ મરચું, વટાણા અને ગોળ ઉમેરાય છે. છેલ્લે દહીં ઉમેરાય છે. આ રીતે તૈયાર થયેલ શાક બાજરીના રોટલા સાથે પિરસાય છે. જાણકારોના મતે યોગ્ય માત્રામાં આ શાક ખાવાથી મધુપ્રમેહ, શરદી-ઉધરસ, ચામડી અને લીવરના રોગો જેવી અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે.
આ અન્ય શાક પણ શિયાળામાં છે લોકપ્રિય
આ ડિશો સિવાય આપણે ત્યાં શિયાળાની સિઝનમાં લીલા ચણાનું શાક, તુવેરના ટોઠા, લીલી ડુંગળીનું શાક, લીલી તથા આખી લસણનું શાક, શેકેલાં શક્કરિયાં અને બટાટાનું શાક, વરાળિયું, ચાપડી તાવો, મધપૂડો, પૂડલો વગેરે પણ જે-તે પ્રદેશમાં લોકપ્રિય છે. ત્યારે છેલ્લે ફક્ત એટલું જ કહેવાનું કે આ શિયાળુ સિઝનલ વાનગીઓનો લુત્ફ ઉઠાવવાનું એટલા માટે ચૂકવા જેવું નથી કેમ કે ઠંડીમાં ખાધેલી વાનગીઓ આખું વર્ષ શરીરને ઊર્જા પુરી પાડતી હોય છે.