Make Healthy And Crispy Chikki At Home With Simple Tips
રેસિપી /
ઘરે ક્રિસ્પી ચીકી બનાવવાનો છે પ્લાન, તો મિક્સ કરી લો આ 1 વસ્તુ, દાઢમાં રહેશે સ્વાદ
Team VTV02:42 PM, 04 Jan 20
| Updated: 02:51 PM, 04 Jan 20
શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. જો શિંગ, તલ અને દાળિયાની ચીકી ઘરે જ બનાવવી છે તો તમે આ ટ્રિકને ટ્રાય કરી શકો છો.
અપનાવી લો આ ટ્રિક
જ્યારે તમે ચીકી બનાવતી સમયે ગોળનો પાયો બનાવો છો ત્યારે તમારે આ એક કામ કરવાનું છે. ગોળ ગરમ કર્યા બાદ ગોળમાં ફીણ થવા આવે એટલે તેમાં એક ચણાની દાળ જેટલા સાજીના ફૂલ નાંખો. તેનાથી ગોળનો કલર બદલાશે અને તે ફૂલશે.
શિંગ / દાળિયા કે તલની ચીકી
તલની ચીકી - ફાઈલ ફોટો
સામગ્રી
અઢીસો ગ્રામ શિંગદાણા / તલ / દાળિયા
અઢીસો ગ્રામ ગોળ
બે મોટી ચમચી ઘી
ચપટી સાજીના ફૂલ
રીત
શિંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા શિંગદાણા નાંખી સારી રીતે હલાવો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. વણતા પહેલાં વેલણ પર થોડું ઘી લગાવી લો. જેથી તે વેલણ પર ચોંટશે નહીં. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડું થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે શિંગદાણાની ચીકી.
શિંગ, ડ્રાયફ્રૂટ્સ અને તલની ચીકી- ફાઈલ ફોટો
નોંધ
યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવું જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે.
તલ કે દાળિયાની ચીકી બનાવવા માટે શિંગની જગ્યાએ પલાળીને ઘસેલા ફોતરા કાઢેલા તલને શેકો. અને એ શેકેલા તલને શિંગને બદલે વાપરો. મસ્ત ચીકી ઘરે જ બનશે. દાળિયા સાફ કરીને એમ જ મિક્સ કરો.