એક તરફ કરોડોના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવે છે. મોટા મોટા બ્રિજ, રોડ રસ્તાનું લોકાર્પણ કરીને વિકાસના કાર્યો કરતા હોવાના બણગા ફૂંકવામાં આવે છે. પ્રજાના ટેક્સના પૈસે કરોડોના કામ કરે તેમાં નવાઇ તો નહીં પણ કામ કેટલુ પાકા પાયે કર્યુ તે મહત્વનું છે. કરોડોના ખર્ચે રોડ રસ્તા અને હાઇવેના ટેન્ડર બહાર પાડવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને મનમાન્યા પૈસા પણ આપવામાં આવે છે પણ કામની મજબૂતાઇ અને ગુણવત્તા કેટલી તે જોવામાં કોઇને રસ લાગતો નથી. એટલે જ વરસાદ આવે એટલે તંત્રની પોલ ખૂલી જાય છે.
100કરોડના ખર્ચે બનેલો હાઇવે ખખડધજ !
ત્યારે એવુ જ બન્યુ મહીસાગરમાં. 100 કરોડના ખર્ચે બનાવેવો હાઇવે બિસ્માર બની ગયો. એક-બે નહી પરંતુ 100 કરોડનો ખર્ચો કરવા છતાં પણ આજે હાઇવે ખખડધજ બની ગયો છે. બાલાસિનોરથી વીરણીયા સુધીના 38.5 કિમીના આ રોડ પાછળ 100 કરોડ ખર્ચેલા પાણીમાં ગયા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે એક એક ફૂટના અંતરે મસમોટા ખાડા પડી ગયા છે. ખાડામાં પાણી ભરાઇ ગયુ છે. આ રસ્તા પરથી પસાર થવામાં વાહનચાલકો ડરી રહ્યા છે કે ક્યાંક અકસ્માત ન થઇ જાય.
બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન
બાલાસિનોરમાં તમે પ્રવેશ કરો એટલે સ્વાગત થાય ખાડાઓથી. ટર્નિંગ પાસેથી ખાડાઓ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ડામરથી ચકચકિત રોડ પર ભ્રષ્ટાચારના ખાડા પડતા રાહદારીઓ પણ પરેશાન થયા છે. હજુ તો થો઼ડા સમય પહેલા જ હાઇવે બનાવવામાં આવ્યો હતો ત્યારે હાલ આવી બદ્દત્તર સ્થિતિ જોતા ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવી લાગણી ઉભી થઇ છે.મહીસાગર R&B ડિવિઝનની દેખરેખ હેઠળ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં પણ વરસાદી માહોલમાં રોડ રસ્તાનો મેકઅપ ઉતરી થતા ભ્રષ્ટાચારની પોલ ખૂલ્લી પડી છે.
વેરાની વસૂલાત છતાં કામગીરી નબળી કેમ ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે જનતા પાસેથી સમયસર વેરો વસૂલવામાં આવે છે તેની સામે આવી ખખડધજ સુવિધાઓ આપવાનો શું મતલબ, રોડ રસ્તાના કામો ટેન્ડર બહાર પાડીને મંજૂર કરવામાં આવે છે તો પછી કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરશે કોણ ? રોડ રસ્તાના કામગીરી મહીસાગર R&B ડિવિઝન હેઠળ થઇ તો પછી રસ્તો ટૂંક સમયમાં બિસ્માર કેમ બન્યો ? તો અંગે બાલાસિનોરના S.Oએ જણાવ્યું કે આશિષ ઇન્ફ્રા અમદવાદા દ્વારા 100 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ચોમાસાને લીધે જે ખાડા પડ્યા છે બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે. હાલ વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે વિભાગ દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઇ છે જેનો સંપૂર્ણ ખર્ચે કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવશે.