બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / મહીસાગરમાં 850 વર્ષ જૂનું નદીનાથ મહાદેવનું મંદિર, જાણો પાણીમાં બિરાજતા ભોળાનાથની રોચક કથા
Last Updated: 06:30 AM, 14 October 2024
મહીસાગર જિલ્લામાં હરીયાળી ચાદરો પાથરી હોય તેવા લીલાછમ ડુંગરોની હારમાળા વચ્ચે વિશાળ કડાણા ડેમ નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે અતિ રમણીય અને પૌરાણિક નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે. મહાદેવજીનુ મંદિર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદીવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. કડાણા ડેમનુ નિર્માણ થયુ ત્યારે મુખ્ય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયુ હતુ. એટલે ડેમની બાજુમાં બીજા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. નદીનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે. મહાદેવજીનુ મંદિર અંદાજીત 850 વર્ષ પહેલાનું છે. પહેલા મંદિર ડેમના પાછળના ભાગે હતું. 1960 માં કડાણા ડેમનું નિર્માણ થતા મુખ્ય નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. એટલે ડેમની બાજુમાં નદીનાથ મહાદેવના બીજા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ડેમની મધ્યે પાણીમાં પથ્થરના ડુંગરની ગુફામાં બિરાજમાન મહાદેવ મંદિર બારેમાસ પાણીમાં જ ગરકાવ રહે છે. કોઈ ઉનાળામાં ડેમનું જળ સ્તર ઘટે ત્યારે તે વર્ષે મંદિરના દ્વાર ખુલે છે અને મહાદેવજીના દર્શન શક્ય બને છે. ગુફા મંદિરના દ્વાર ખુલતા જ ભક્તો હોડીમાં બેસીને મહાદેવના દર્શને ઉમટે છે અને ડેમની મધ્ય હર હર મહાદેવના નાદથી આખું વાતવરણ શિવમય બની જાય છે.
ADVERTISEMENT
ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર નદીનાથ મહાદેવ મંદિર
ADVERTISEMENT
મંદિરે દરેક સમાજના લોકો દર્શન કરવા આવે છે. પોતપોતાની રીતે માનતા રાખતા ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર છે. ભાવિકોની માનતા પૂર્ણ થતા જ તેઓ મંદિરે આવી મહાદેવજીના ચરણે શીશ ઝુકાવે છે. નદીનાથ મહાદેવ મંદિર કડાણાથી એક કિલોમીટર દૂર ઘોડીયાર ખાતે સ્થિત ટેકરી પર બનાવવામાં આવ્યું છે. મંદિરે દર શિવરાત્રી, નવરાત્રી અને મહી પૂનમના દિવસે વિશાળ મેળો ભરાય છે. મેળામાં આસપાસના અને આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નદીનાથ મહાદેવ દર્શનાર્થીઓને મનોવાંછીત ફળ આપે છે. જે દંપતી સંતાનની આશા લઈ આવે તો મહાદેવ તેમને સંતાન પ્રાપ્તિનુ વરદાન આપે છે. મહાદેવ ભક્તોની તમામ ઈચ્છા પૂર્ણ કરતા હોવાથી લોકોની આ મંદિર સાથે અનેરી આસ્થા જોડાયેલી છે. લીલાછમ વન વચ્ચે સ્થિત અતિ રમણીય નદીનાથ મહાદેવનું આ મંદિર જમીનથી 500 મીટર ઊંચાઈ પર આવેલું છે. મંદિર પરિસરમાં નવદુર્ગા અને નવગ્રહ મંદિર આવેલું છે. આજુબાજુના લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ એક સાથે કરી શકે તે માટે મંદિરમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના લાંભામાં બળિયાદેવનું ચમત્કારિ મંદિર, ભક્તોની પૂરી કરે છે તમામ મનોકામના
મહાદેવનું મંદિર બારેમાસ રહે છે પાણીમાં
મહાદેવજીના મંદિરની આસપાસ હરીયાળા જંગલમાં પુષ્કળ પ્રમાણમાં બીલી વૃક્ષો છે. મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. અને શનિદેવતા પણ બિરાજમાન છે. ભાવિકો શનિદેવને તેલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. 10 કિલોમીટર દૂરથી પણ લોકો દર્શન કરી શકે તેવી મહાદેવજીની 60 ફૂટ ઊંચી પ્રતિમા મંદિરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. કડાણા મહીસાગર નદીની પાસે આવેલુ મહાદેવજીનુ મંદિર ભાવિકોની શ્રદ્ધા આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મહી પૂનમે દર્શનાર્થીઓ પગપાળા મંદિરે મહાદેવજીને માથું ટેકવા આવે છે. મંદિરની બાજુમાં વિશાળ ઘંટ મૂકવામાં આવ્યો છે જેનો અવાજ એક થી દોઢ કિલોમીટર સુધી સંભળાય છે. મંદિર પાસે માનસરોવરનું જળ લાવી માનસરોવર જેવું જ સરોવર બનાવવામાં આવ્યું છે. ભાવિકો સરોવરમાં જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે. આસ્થાનું કેન્દ્ર બનેલુ નદીનાથ મહાદેવ મંદિર આસ્થા અને ભક્તિની સાથે કુદરતી સૌંદર્યના પણ દર્શન કરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.