Mahesh Savani official resignation from AAP gujarat politics
સેવા'કારણ' /
VIDEO : મહેશ સવાણીએ કહ્યું, રાજનીતિમાં નથી રહેવું, સમાજિક કામોમાં જ રહેવું છે, AAP કાર્યકરોને પણ સમજાવ્યા
Team VTV05:09 PM, 18 Jan 22
| Updated: 05:26 PM, 18 Jan 22
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ 17 જાન્યુઆરી 2022ના રોજ વેપારી અને સમાજસેવી મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટી ન છોડવા મહેશ સવાણીને રજૂઆત
મહેશ સવાણીની ઓફિસ ખાતે પહોંચ્યા AAP કોર્પોરેટર્સ
મારે રાજનીતિમાં નથી રહેવુંઃ મહેશ સવાણી
ગઇકાલે વિજય સુવાળા, નિલમ વ્યાસ બાદ સમાજ સેવક અને બિઝનેસમેન એવા મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. વિજય સુવાળા અને નિલમ વ્યાસ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે આજ રોજ સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓ મહેશ સવાણીને મનાવવા માટે તેમની ઓફિસ પહોંચ્યા હતા. તમામે સવાણીને ફરીથી આપમાં જોડાઇ જવાની વિનંતી કરી હતી. કેટલાક કાર્યકર્તાઓ સવાણીને મનાવવા માટે પગે પડી ગયા હતા, તો કેટલાકે ઓફિસ બહાર ઉપવાસ પર બેસી જવાની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ સવાણીને મનાવવાના પ્રયાસ નિષ્ફળ જણાઇ રહ્યા છે. VTV સાથેની વાતચીતમાં મહેશ સવાણી પોતાના રાજીનામાંના નિર્ણય પર અડગ છે અને તેઓ રાજનીતિમાં નથી આવવા માંગતા તેવું જણાવી રહ્યા છે.
મારે રાજનીતિમાં નથી રહેવું, સામાજિક કામોમાં જ રહેવું છેઃ મહેશ સવાણી
મહેશ સવાણીને મનાવવા કોર્પોરેટર્સે ધરણા કર્યા છે. તેમ છતા મહેશ સવાણી રાજનીતિથી દૂર રહેવા અને માત્ર સેવાનું જ કામ કરવા માંગે છે તેવું જણાવી રહ્યા છે. સવાણીએ કહ્યું કે, મેં કોઈ પાર્ટીને લઇને નહીં પોતાના શરીર અને સામાજીક કામો માટે વાત કરી છે. મારે રાજનીતિમાં નથી રહેવું, મારે સામાજિક કામોમાં જ રહેવું છે, એટલે હું સામાજિક કામોમાં જ રહીશ. મારે સેવાનું કામ કરવું છે તે સેવામાં બધા સાથ સહકાર આપશે.
સવાણીએ કહ્યું કે, તમામ કાર્યકર્તાઓને સમજાવીશ કે મને સેવા કરવા દો. આપના કાર્યકરોને સમજાવ્યા હતા, તેઓ સમજવા તૈયાર ન હતા. તેમણે અહીં ઉપવાસમાં બેસી જવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે તમામનો સમજવાના સવાણી સતત પ્રયત્ન કરી રહ્યા છે.
ગઇકાલે રાજીનામું આપતા સમયે શું કહ્યું હતું સવાણીએ ?
AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાને લઇને મહેશ સવાણીએ કહ્યું કે, જે સેવા કરતા હશે તેમની સાથે જોડાઇશ. મને હોદ્દાનો કોઇ મોહ નથી. મને મંત્રી થવાનો પણ મોહ નથી. મારે કોઇની પણ સાથે વાદ વિવાદ નથી. મને કોઇનો ડર કે દબાણ નથી. હું રાજીખુશીથી AAP છોડી રહ્યો છું. છેલ્લા ત્રણ ચાર દિવસથી મનોમંથન કર્યું. મેં ભાજપ કે કોંગ્રેસ કોઇની સાથે મિટિંગ નથી કરી. કોઇને પાડી દેવા તેવી ભાવના મારામાં નથી. કોઇના વિશે ખરાબ બોલવું તે યોગ્ય નથી. રાજનીતિમાં સેવા કામ ડબલ થશે તેમ લાગતું હતું. કોઇ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી. તમામે મને સમજાવ્યા કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.