Team VTV11:24 AM, 28 Mar 23
| Updated: 11:30 AM, 28 Mar 23
ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ કરી છે. મકાન પચાવી પાડવા મામલે માલિની પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ
મકાન પચાવી પાડવા મામલે માલિની પટેલ સામે કાર્યવાહી
પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈએ નોંધાવી હતી ફરિયાદ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદ પર મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અગાઉ માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી.
BIG BREAKING | મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની મકાન પચાવી પાડવા મામલે નડીયાદથી ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈએ નોંધાવી હતી ફરિયાદ, અગાઉ માલિની પટેલે આગોતરા જામીન માટે કરી હતી અરજી#ahmedabad#Kiranpatel#malinipatel#VtvGujaratipic.twitter.com/Yhfct13oEN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2023
સેશન્સ કોર્ટમાં કરી હતી આગોતરા જામીન અરજી
કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવતા માલિની ફરાર થઈ ગઈ હતી. ધરપકડથી બચવા કિરણ પટેલની પત્ની માલીની પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જગદીશ ચાવડાના બંગલા પર બગાડી હતી નજર
PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનોનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
કિરણ પટેલ
જગદીશ ચાવડાએ કર્યો હતો ખુલાસો
આ મામલે vtvgujarati.com દ્વારા જગદીશ ચાવડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, 'એ ભાઈ મારી પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે તમારો બંગલો હું વેચાવી આપીશ. પરંતુ આ માટે તમારે બંગલામાં થોડું રીનોવેશન કરાવવું પડશે. તેણે એવું પણ કહ્યું હતું કે હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું પણ કામ જાણું છું તો એ પણ કરી આપીશ.'
મારા બંગલાનું વાસ્તુ પણ કરી નાખ્યુંઃ જગદીશ ચાવડા
જગદીશ ચાવડાએ જણાવ્યું કે, તેણે મને એક પણ રૂપિયો આપ્યો નથી કે કોઈ કાગળમાં મેં સાઇન કરી નથી, પરંતુ મૌખિક વાતચીતના આધારે 90 દિવસ હું મારા મિત્રને ત્યાં રહેવા જતો રહ્યો અને કિરણે બંગલાનું કામ શરૂ કર્યું હતું. મારે કામ હોવાથી હું એક અઠવાડિયા સુધી બંગલે જઈ ન શક્યો તો મને જાણ થઈ કે મારા બંગલાનું વાસ્તુ પણ કિરણે કરી નાખ્યું છે અને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી નાખી છે.
મેં કોઈ કાગળ પર સહીં કરી નથીઃ ચાવડા
તેમણે જણાવ્યું હતું કે, હવે તેનો ઉદ્દેશ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને મારી પાસે પૈસા પડાવવાનો પણ હોઈ શકે, અમારા બંને વચ્ચે કોઈ પૈસા બાબતે ડીલ થઈ નથી કે નથી કોઈ પત્ર વ્યવહાર કે કાગળમાં સહી થઈ નથી. હાલ પણ હું એ જ બંગલામાં રહું છું અને મને જાણ થઈ કે મારા બંગલાનું વાસ્તુ થઈ ગયું છે એટલે હું બંગલે આવી પહોંચ્યો હતો અને કિરણ પટેલનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત એક વર્ષ પહેલાંની છે, પરંતુ કિરણ પટેલનો કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નહીં. જ્યારે વર્તમાન સમયમાં આખો કાંડ બહાર આવ્યો, ત્યારે મેં મારો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો તેવી છેતરપિંડીની એક ફરિયાદ દાખલ કરી છે.
અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે કરી હતી ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. તેની 15 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે, પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો. તે અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે.