Mahathug Kiran Patel identified with PM and became strategy planner in Karnavati, Rajpath Club elections
ખુલાસો /
વધુ એક ઘટસ્ફોટ: કર્ણાવતી અને રાજપથ ક્લબને લઇ જાણો શું છે કિરણ પટેલનું કનેક્શન? રાજકોટમાં પણ ધંધાકીય વર્તુળો સાથે ધરાવે છે નાતો
Team VTV08:54 AM, 22 Mar 23
| Updated: 08:59 AM, 22 Mar 23
નકલી PMO ઓફિસર કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે, મહાઠગ PM સાથેની ઓળખ આપીને કર્ણાવતી, રાજપથ કલબની ચૂંટણીમાં સ્ટ્રેટેજી પ્લાનર બન્યો હતો.
મહાઠગ કિરણ પટેલ કેસમાં વધુ એક ઘટસ્ફોટ
અમદાવાદની ક્લબોની ચૂંટણીમાં બન્યો હતો સ્ટ્રેટેજી પ્લાનર
PMOનું નામ વટાવી લોકોને કરતો હતો પ્રભાવિત
ઝેડ પ્લસ સિક્યુરિટીમાં બોર્ડર સુધી ફરી આવેલા અમદાવાદના ભેજાબાજ મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે એકબાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. PMO અધિકારીના નામે છેતરપિંડી આચરનારા કિરણ પટેલ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. કિરણ પટેલ અમદાવાદમાં પણ અનેક કળા કરી ચૂક્યો છે.
અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોની ચૂંટણીમાં બન્યો હતો સ્ટ્રેટેજી પ્લાનર
મહાઠગ કિરણ પટેલ અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબની ચૂંટણીમાં સ્ટ્રેટેજી પ્લાનર બન્યો હતો. કિરણ પટેલ ખૂદને PM નરેન્દ્ર મોદીના નજીકનો માણસ ગણાવતો હતો. કિરણ પટેલ પેનલની એક વ્યક્તિ મારફતે ક્લબમાં પહોંચ્યો હતો. ઠગ પેનલના સભ્યોને જીત માટે 20 લાખ રૂપિયા ખર્ચની ઓફર કરતો હતો અને ક્લબમાં મોટી મોટી વાતો કરી લોકોને પ્રભાવિત કરતો હતો
મહાઠગ કિરણ પટેલ
મોટી મોટી વાતો કરી લોકોને પ્રભાવિત કરતો
કિરણ પટેલ પોતે એટલી મોટી વાતો કરતો હતો કે તે પોતે ક્લબની ચૂંટણીનો સ્ટેટ્સ પ્લાનર બની ગયો હતો. તે અનેક મોટા લોકોના સંપર્કમાં આવીને સરકારની સાથે સંબંધ છે કહીને લોકોને બાટલીમાં ઉતારતો હતો.
રાજકોટની બ્રાંચમાં કિરણનું કનેક્શન
મહાઠગ કિરણ પટેલનો રેલો રાજકોટ સુધી પણ પહોંચ્યો છે. કિરણ પટેલ સાથે સંકળાયેલા લોકોની રાજકોટમાં કંપની હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરની પ્રાઈવેટ કંપનીની રાજકોટની બ્રાંચમાં કિરણનું કનેક્શન સામે આવ્યું છે. રાજકોટમાં કેટલાક ધંધાકીય વર્તુળો સાથે કિરણ પટેલનો સબંધ હોવાનું સામે આવ્યો છે.
કિરણ પટેલે દિનેશ નાવડિયાનો કર્યો હતો સંપર્ક
મહાઠગ કિરણ પટેલ અંગે સુરતના ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં G20 સમિટ માટે કિરણ પટેલે મને આમંત્રણ આપ્યું હતું. અમદાવાદ અને જમ્મુ-કશ્મીરની એક હોટેલમાં કિરણ પટેલ સાથે મારી મુલાકાત થઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, હોટેલ તાજમાં કિરણ પટેલ મળવા આવ્યો હતો અને કિરણ પટેલે કોઈ પણ કામ કરી આપવા ખાતરી આપી હતી. કિરણ પટેલે કેન્દ્ર સરકારના કામ પણ કરી આપવાની ખાતરી આપી હતી તેમજ વારંવાર ફોન પર કશ્મીરની વાત કરતો હતો અને કિરણ પટેલે કશ્મીરમાં સસ્તા ભાવે જમીન અપાવવા માટે વાત કહી હતી. કશ્મીરમાં ઉદ્યોગ સ્થાપવામાં મદદ કરવાની ખાતરી આપી હતી તેમ નાવડિયાએ જણાવ્યું હતું.
દિનેશ નાવડિયા
ગરબા આયોજક કેતન ગાંધી સાથે પણ કરી હતી ઠગાઇ
કિરણ પટેલે ગરબા આયોજક કેતન ગાંધી સાથે ઠગાઇ કરી હતી. વર્ષ 2018ના વર્ષમાં નવરાત્રીના આયોજનમાં કિરણ ભાગીદાર હતો. કિરણ પટેલે ગોધરાના કેતન ગાંધીને ભાગીદાર બનાવ્યા હતા. મોટી રકમમાંથી 17 લાખની રકમ કિરણે ભાગીદાર કેતનને ન આપી ઠગાઈ કરી હતી. સમગ્ર મામલે કિરણ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ રૂપિયા 7.5 લાખથી વધુ રકમ મહાઠગે ચુકવી હતી. મહાઠગે બાકીના નાણા હજુ સુધી ભાગીદારને ચુકવ્યા નથી. વીટીવી સમક્ષ ગોધરાના વેપારી કેતન ગાંધીએ પોતાની વ્યથા ઠાલવી હતી. મારા જેવા અનેક લોકોને કિરણ પટેલે ફસાવ્યા છે તેમ કેતન પટેલે જણાવ્યું હતું.
અનેક જગ્યાએ આચરી ચૂક્યો છે છેતરપિંડી
કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
G 20 અંતર્ગત યોજી હતી કોન્ફરન્સ
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની રાષ્ટ્રપ્રથમ નામનું સંગઠન ચલાવે છે. તાજેતરમાં જ રાષ્ટ્રપ્રથમના બેનર હેઠળ કિરણ પટેલે અમદાવાદમાં G 20 અંતર્ગત કોન્ફરન્સ યોજી હતી. ગત 29 જાન્યુઆરીના હોટેલ હયાતમાં કોન્ફરન્સ યોજાયેલી G-20 કોન્ફરન્સમાં સચિવો અને રિટાયર્ડ સચિવોને આમંત્રણ અપાયું હોવાનો ખુલાસો થયો હતો.
પોતાને ગણાવતા હતો PMO ઓફિસર
જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો.
શું હતો સમગ્ર મામલો ?
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી હતી, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. તેની 15 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.